(એ.આર.એલ),રાજકોટ,તા.૧
ગુજરાતમાં નબીરાઓ બેફામ બની રહ્યાં છે. હાથમાં મોંઘીદાટ ગાડી આવે એટલે મોટા ઘરના નબીરાઓને અકસ્માત સર્જવાનો પરવાનો મળી જતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ કોટેચા ચોક નજીક નબીરાએ અકસ્માત સર્જ્‌ય હતો. નબીરાએ બેફામ કાર ચલાવીને ૮થી ૯ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ૬ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માતમાં બે યુવાનની હાલત અત્યંત ગંભીર છે. બંને યુવાનો હાલ સારવાર હેઠળ છે. પોલીસે આરોપી કારચાલક હિરેન પ્રસાદિયાની ધરપકડ કરી છે. આરોપી નશાની હાલતમાં કાર ચલાવતો હોવાનો લોકોનો આરોપ છે. પોલીસે હિરેન પ્રસાદિયાની પૂછપરછ પણ હાથ ધરી છે. હિરેન પ્રસાદિયાની કાર ગાંધીનગર પાસિંગની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે કારમાં એક મહિલા સહિત ત્રણ લોકો હાજર હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, મોડીરાત્રે શહેરના કોટેચા ચોકમાં એક કાળાં કલરની એકાબુ ફોર્ચ્યુનર અને એન્ડેવર લકઝરીયસ કારે અનેકને અડફેટે લીધા હતા. કારે અકસ્માત સર્જતાં ભારે ટ્રાફિક જામની સ્થતિ સર્જાઈ હતી. ફોર્ચ્યુનર અને એન્ડેવર લકઝુરીયસ કારે અકસમાત સર્જતાં અનેક લોકો ઘાયલ થયા છે. એક તરફ લોક દિવાળીના સપરમા દિવસે શહેરીજનો ઉજવણીના માહોલમાં વ્યસ્ત હતા ત્યારે એક બેકાબુ કારે ઘણા બધા લોકોને અડફેટે લેતા અફરાતફરી સર્જાઈ હતી.