અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા વધારાની બસો દોડવવામાં આવી રહી છે. જા કે એકસ્ટ્રા બસની આવક કેટલી થઈ તેનો આંકડો હજુ આવ્યો નથી પરંતુ દરરોજ દોડતી બસમાં મુસાફરોનો ચિક્કાર ટ્રાફિક જાવા મળી રહ્યો છે. છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો મુસાફરી કરવાનુ ટાળી રહ્યા હતા જેમાં ગત વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે એસ.ટી.વિભાગને આવકને મોટું ગાબડુ પડયું હતુ પરંતુ આ વર્ષે કોરોના નબળો પડતાની સાથે જ સરકારે દિવાળી સહિતના અનેક તહેવારોમાં છૂટછાટ આપતા મુસાફરો ફરવાલાયક સ્થળે ઉપડી રહ્યા છે. અમરેલી એસ.ટી.વિભાગના અધિકારી નથવાણીએ જણાવ્યું હતું કે, સુરત છેલ્લાં ત્રણ દિવસમાં ૧૪૦ બસ રૂટ શરૂ કરાયા છે. આ તમામ બસોમાં ભરચક્ક ટ્રાફિક દેખાઈ રહ્યો છે. જા કે એકસ્ટ્રા બસમાં કેટલી આવક થઈ તેનો આંકડો હજુ આવ્યો નથી. હાલ મુસાફરો અમદાવાદ, રાજકોટ, અંબાજી, સહિતના શહેરોમાં જવા માટે, તો પંચમહાલ જિલ્લામાં પરપ્રાંતિયોનો ભારે ટ્રાફિક દેખાઈ રહ્યો છે. અમરેલી એસ.ટી.ડિવિઝનને દૈનિક રૂ.૮ લાખની આવક થતા મુસાફરોએ ડચકા ખાતી એસ.ટી.ને ઓક્સિજન આપવાનું કામ કર્યુ છે. સામાન્ય દિવસોમાં અમરેલી એસ.ટી.વિભાગને દૈનિક રૂ.ર૩ લાખની આવક થતી હતી તો દિવાળીના તહેવાર પર દૈનિક રૂ.૮ લાખનો વધારો થયો હોવાથી એસ.ટી.વિભાગને હવે રૂ.૩૧ લાખ જેટલી આવક થઈ રહી છે. હાલ ખાનગી બસોમાં તોતિંગ ભાવ વધારો વસુલાતો હોવાથી મુસાફરો એસ.ટી.બસ તરફ વળ્યા છે. આમ, દિવાળીનો તહેવાર અમરેલી એસ.ટી.વિભાગને ફળ્યો છે. તો, બીજી તરફ કોરોના નબળો પડતા સરકારે ઉત્સવની ઉજવણી માટે છૂટછાટ આપતા પ્રવાસન સ્થળોએ લોકોનો ધસારો જાવા મળી રહ્યો છે.