દીવના ઘોઘલાના મીઠાબાવા વિસ્તારમાં રાત્રિના સમયે એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કંચનબેન પ્રવીણભાઈના ભાડાના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે સિલિન્ડરમાં આગ લાગી હતી અને ત્યારબાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આગે જોતજોતામાં સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું. કંચનબેન સમયસૂચકતા વાપરીને ઘરની બહાર નીકળી ગયા હતા. આગ લાગતા જ નજીકમાં રહેતા ફેઝલ ઈસ્માઈલે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસે દીવ ફાયર બ્રિગેડને જાણ કરતા, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. આ આગમાં કંચનબેન પ્રવીણભાઈના ઘરની તમામ ચીજવસ્તુઓ, અનાજ અને મહત્વના દસ્તાવેજો સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.