રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા.અહીં મહત્તમ તાપમાન ૪૯.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આ વર્ષ ૨૦૨૫ માં ભારતના કોઈપણ રાજ્યમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. તે જ સમયે, હરિયાણાના સિરસામાં ૪૭.૬ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ વિભાગમાં તીવ્ર ગરમી છે. ૧૫-૧૬ જૂન સુધી રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમીની લહેર આવવાની શક્યતા છે. તે જ સમયે, હરિયાણા, પંજાબ, યુપી, મધ્યપ્રદેશમાં ૧૫ જૂન સુધી હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ૧૫ અને ૧૬ જૂને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ હીટવેવ આવવાની શક્યતા છે. બિહારમાં પણ હવામાન ગરમ રહેવાની ધારણા છે.

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ૪૯.૪ ડિગ્રી, ચુરુમાં ૪૭.૬, જેસલમેરમાં ૪૬.૯, બિકાનેરમાં ૪૬.૪, જાધપુરમાં ૪૬.૩, બાડમેરમાં ૪૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું. રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. યુપીમાં ઝાંસી સૌથી ગરમ સ્થળ હતું. અહીંનું તાપમાન ૪૪.૯ ડિગ્રી નોંધાયું હતું. બાંદામાં ૪૪.૬ ડિગ્રી અને આગ્રામાં ૪૫ ડિગ્રી નોંધાયું હતું. પંજાબના ભટિંડામાં ૪૬ ડિગ્રી, સિરસામાં ૪૭.૬, હિસારમાં ૪૪.૬ અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૪૪.૫ ડિગ્રી નોંધાયું હતું.

આ દરમિયાન, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ૧૫-૧૮ જૂન દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. ૧૫-૧૭ જૂન દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્રમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ થવાની સંભાવના છે. ૧૫-૧૭ જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતના કેટલાક સ્થળોએ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ૭ દિવસ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે અને ૧૫-૧૭ જૂન દરમિયાન મધ્ય પ્રદેશમાં ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન ફૂંકાશે. ૧૫-૧૭ જૂન દરમિયાન બિહાર, ઝારખંડ, ઓડિશામાં અલગ અલગ સ્થળોએ અને ૧૩-૧૭ જૂન દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વાવાઝોડા આવી શકે છે. આ સાથે ૫૦-૭૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. ૧૫ થી ૧૯ જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટીસ્તાન, મુઝફ્ફરાબાદ, દિલ્હી અને યુપીમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.