દિલ્હી-એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડી વધવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહથી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં કડકડતી ઠંડી પડી શકે છે. આ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં શીત લહેરની સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજસ્થાન, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર-લદ્દાખ, ગિલગિટ-બાલ્ટીસ્તાન-મુઝફ્ફરાબાદમાં ૧૪૩ ડિસેમ્બરે ઠંડીનું મોજું આવવાની શક્યતા છે. તે જ સમયે, ૧૫ ડિસેમ્બરથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડી વધશે.
આગામી ૨૪ કલાક દરમિયાન પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. તે જ સમયે, સવારના સમયે બિહાર અને પૂર્વ યુપી સહિત કેટલાક રાજ્યોમાં હળવા ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર, ગુરુવારે દિલ્હીવાસીઓને તીવ્ર ઠંડીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તાપમાન ૪.૫ ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટી ગયું હતું, જે આ સિઝનની સૌથી ઠંડી સવાર છે. દિલ્હીમાં હળવા પવન ફૂંકાશે. વિભાગના જણાવ્યા અનુસાર ૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કર્ણાટકમાં આજે પણ વરસાદ ચાલુ રહી શકે છે.આઇએમડીએ સમગ્ર દક્ષિણ કર્ણાટકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચિત્રદુર્ગ, કોલાર, રામનગરા, મૈસુર, તુમકુરુ અને ચામરાજનગર જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ કન્નડ અને ઉડુપીમાં ૧૪ ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. બેંગલુરુ શહેરી, બેંગલુરુ ગ્રામીણ અને આસપાસના જિલ્લાઓમાં આજે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આગામી બે દિવસમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે ૨-૩ ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન સમાન માર્જિનથી વધવાની ધારણા છે. ઉત્તર ભારત માટે આગાહી સૂચવે છે કે આગામી ચારથી પાંચ દિવસમાં ઉત્તરપશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં લઘુત્તમ તાપમાન એકદમ સ્થિર રહેવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે જ્યારે લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી સેલ્સીયસ અથવા તેનાથી નીચે જાય અથવા જ્યારે તે સામાન્ય કરતા ૪.૫ થી ૬.૪ ડિગ્રી નીચે જાય ત્યારે મેદાનોમાં શીત લહેર જાહેર કરવામાં આવે છે.