રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ થયો હતો. નોઈડામાં ઘણી જગ્યાએ કરા સાથે ભારે વરસાદ થયો હતો. આ સિવાય એનસીઆરના અન્ય ભાગોમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદ અને કરાને કારણે ઠંડી વધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી નોંધાયું હતું.
સવારે ૨ઃ૩૦ થી સવારે ૫ઃ૩૦ વાગ્યાની વચ્ચે દિલ્હીમાં ૧.૮ મિલીમીટર (મીમી) વરસાદ નોંધાયો હતો અને ત્યારથી સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધી ૭.૩ મીમી વરસાદ નોંધાયો હતો. પાલમ વેધર સ્ટેશનમાં ૧૧.૩ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે લોધી રોડ પર ૬.૮ મીમી અને પુસામાં ૫.૫ મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સ્થાનિક રહેવાસી દીપક પાંડેએ જણાવ્યું કે હવામાન સારું થઈ ગયું છે અને કાશ્મીર જેવું લાગે છે. હવામાન ઘણું ખુશનુમા બની ગયું છે અને તેમાં પ્રવાસ કરી શકાય છે. ઠંડી છે, પરંતુ વરસાદને કારણે પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. તે જ સમયે, રમણ કુશવાહાએ કહ્યું કે તે ખૂબ જ ઠંડી છે. હળવો વરસાદ થયો છે પરંતુ આ સિઝનમાં સ્થળોની મુલાકાત લેવી સારી છે. પ્રદુષણમાં પણ ઘટાડો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાની તેમજ હળવા ધુમ્મસની શક્યતા છે. લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સેલ્સીયસ અને મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલે ૨૮ ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દરમિયાન, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક સવારે ૭ વાગ્યા સુધીમાં ૩૭૧ ની એકયુઆઇ સાથે ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. એકયુઆઇ આનંદ વિહારમાં ૩૯૮,આઇજીઆઇ એરપોર્ટમાં ૩૪૦, આયા નગરમાં ૩૬૦, લોધી રોડમાં ૩૪૫,આઇટીઓમાં ૩૮૦, ચાંદની ચોકમાં ૩૧૫ અને પંજાબી બાગમાં ૩૮૬ નોંધાયો હતો.
તમને જણાવી દઈએ કે દિલ્હી સિવાય આજે સવારે યુપી, ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ૨૪ કલાક દરમિયાન આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.