દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ફરી એક વાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. પૂર પછી હજી પણ દિલ્હીના કેટલાય વિસ્તારોમાં લોકો રાહત શિબિરોમાં રહી રહ્યા છે. વહીવટી તંત્રે લોકોને યમુનાથી દૂર રહેવાની સલાહ આપી છે. હથિનીકુંડ બેરેજથી સવારે નવ કલાકે ૧.૪૭ લાખ ક્યુસેક, ૧૦ કલાકે ૨.૦૯ લાખ ક્યુસેક અને ૧૧ કલાકે ૨.૨૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જો આ જ રીતે પ્રતિ કલાક પાણી છોડવામાં આવશે તો આગામી ૨૪થી ૪૮ કલાકમાં એની અસર જોવા મળશે. રાજધાનીની ફરી પૂરની સ્થિતિ ઊભી થાય એમ છે. દિલ્હીમાં જળસ્તર વધવાથી વાહનોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મુકાવાની શક્યતા છે. બીજી બાજુ ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી ખસ્તા હાલત છે. રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરવામાં આવ્યો છે.
મયૂર વિહાર ફેર એકમાં રાહત શિબિરમાં રહેતા લોકોનું કહેવું છે કે તેમને એ સૂચના આપવામાં આવી છે કે યમુનાનું જળસ્તર ફરી એક વાર વધવાને કારણે તેમણે હજી અહીં રોકાવાનું રહેશે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ જૂના રેલવે બ્રિજ પર યમુનાનું જળ સ્તર ૨૦૫.૪૮થી ઉપર બનેલું છે.
છેલ્લા આઠ દિવસમાં યમુના ખતરાના નિશાન ઉપરથી વહી રહી હતી. ત્યાર બાદ મંગળવારની રાતે આઠ વાગ્યે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવી ગયું હતું. બુધવાર સવારે પાંચ કલાકે ઘટીને ૨૦૫.૨૨ મીટર રહી ગયું, જે બાદ જળસ્તરમાં ફરથી વધારો થવા લાગ્યો અને તે ખતરાનાથી નિશાનથી ઉપર વહેવા લાગી હતી.