નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની સરકારે ઘારાસભ્ય લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાં ૫૦ ટકાનો વધારો કર્યો છે. આતિશીની કેબિનેટે આ સંબંધમાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ધારાસભ્યોને વિકાસ કાર્યો માટે મળતું ભંડોળ વાર્ષિક ૧૦ કરોડથી વધારીને ૧૫ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
અન્ય રાજ્યોની સરખામણી કરતા, સીએમ આતિશીએ જણાવ્યું હતું કે ગુજરાત મતવિસ્તાર દીઠ રૂ. ૧.૫ કરોડ ફાળવે છે, જ્યારે આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો રૂ. ૨ કરોડ આપે છે. તેમણે કહ્યું કે મહારાષ્ટÙ, કેરળ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યો પણ વાર્ષિક માત્ર ૫ કરોડ રૂપિયા ફાળવે છે. આ રીતે, દિલ્હી સરકાર હવે તેના ધારાસભ્યોને અન્ય રાજ્યોની તુલનામાં ત્રણ ગણું ફંડ આપશે.
ગુરુવારે કેબિનેટના નિર્ણયની ઘોષણા કરતા મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હી પહેલું રાજ્ય છે જ્યાં ધારાસભ્યોને મળતું ભંડોળ અન્ય રાજ્યો કરતાં ત્રણ ગણું છે. એમએલએલએએડી ફંડ્સ સ્થાનિક વિકાસ માટે ધારાસભ્યોને દર વર્ષે બહાર પાડવામાં આવે છે જેમ કે રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટનું સમારકામ, ઉદ્યાનો વિકસાવવા અને કોલોનીઓમાં ગટર લાઇન નાખવા.
શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ વર્ષે શહેરમાં ઘણો વરસાદ થયો છે. જેના કારણે રસ્તાઓ, પાર્ક અને વોક વેને નુકસાન થયું હતું અને ગટરો ઓવરફ્લો થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે ધારાસભ્યો નિયમિતપણે આ મુદ્દાઓ અમારા ધ્યાન પર લાવે છે અને વધેલા ધારાસભ્ય ભંડોળથી તેઓ લાંબા સમય સુધી વિભાગીય મંજૂરીઓની રાહ જાયા વિના ઝડપથી રાહત આપવા સક્ષમ બનશે.
સરકારના આ પગલા પર નિશાન સાધતા દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ તેને છેતરપિંડી સિવાય બીજું કંઈ ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ધારાસભ્ય ભંડોળમાં આ વધારો સ્થાનિક સમસ્યાઓ અને વિકાસ માટે ખર્ચવામાં આવે તેવી શક્યતા ઓછી છે અને શાસક ધારાસભ્યોના કમિશન એજન્ટો તેમજ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા દુરુપયોગ થવાની શક્યતા વધુ છે.