દિલ્હીના રિજ વિસ્તારમાં પરવાનગી વિના વૃક્ષો કાપવાના કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી વિકાસ સત્તામંડળ એટલે કે ડીડીએ સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ડીડીએને ફોજદારી અવમાનના દોષિત ઠેરવ્યા છે અને ૩ અધિકારીઓ પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે, કોર્ટે ડીડીએના તત્કાલીન વાઇસ ચેરમેન સામેની અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે, જે હવે આ પદ પર નથી. તમને જણાવી દઈએ કે આ કેસ દિલ્હીના રિજ વિસ્તારમાં ૧,૧૦૦ થી વધુ વૃક્ષોના ગેરકાયદેસર કાપ સાથે સંબંધિત છે, જે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ ઇઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલ તરફ જતો રસ્તો પહોળો કરવા માટે કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે તેના ૧૯૯૬ના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે રિજ વિસ્તારમાં વૃક્ષો કાપવા માટે કોર્ટની પૂર્વ પરવાનગી જરૂરી હોવા છતાં આથી, ડીડીએએ ફેબ્રુઆરી ૨૦૨૪ માં વૃક્ષો કાપી નાખ્યા અને ૪ માર્ચ, ૨૦૨૪ ના રોજ કોર્ટમાં પરવાનગી માટે અરજી કરતા પહેલા જ વૃક્ષો કાપ્યા હોવાની હકીકત છુપાવી દીધી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ડીડીએનું આ કૃત્ય માત્ર ૧૯૯૬ ના આદેશનું ઉલ્લંઘન નથી, પરંતુ જાણી જોઈને હકીકતો છુપાવવી અને કોર્ટને ગેરમાર્ગે દોરવી તે ગુનાહિત અવમાનનાના દાયરામાં આવે છે.
જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે તેને ‘વહીવટી અતિરેક અને સત્તાના દુરુપયોગ’નો કેસ ગણાવ્યો. કોર્ટે કહ્યું, ‘રાષ્ટ્રીય રાજધાનીમાં આવા કૃત્યોને હળવાશથી લઈ શકાય નહીં. આ પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો ગંભીર મામલો છે.’ કોર્ટે ડીડીએની આંતરિક તપાસમાં દોષિત ઠરેલા ૩ અધિકારીઓ મનોજ કુમાર યાદવ, પવન કુમાર અને આયુષ સારસ્વત પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. ઉપરાંત, કોર્ટે કહ્યું કે આ અધિકારીઓ સામે ચાલી રહેલી વિભાગીય તપાસ ચાલુ રહેશે. ડીડીએના તત્કાલીન વાઇસ ચેરમેન શુભાશિષ પાંડાને એ કારણસર રાહત આપવામાં આવી હતી કે તેઓ તે સમયે રજા પર હતા અને હવે આ પદ પર નથી.
સમિતિની રચનાઃ કોર્ટે ૩ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે, જે રિજ વિસ્તારમાં પુનઃવનીકરણની યોજના બનાવશે અને રસ્તાની બંને બાજુએ ગાઢ વૃક્ષો વાવવાની શક્યતાઓ શોધશે. આ સમિતિ સમયાંતરે કોર્ટમાં પોતાનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે.
રસ્તાનું બાંધકામઃ ડીડીએને કનેકટિંગગ રોડનું બાંધકામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, પરંતુ પર્યાવરણીય નિયમોનું પાલન કરીને.
લાભાર્થીઓ પાસેથી વસૂલાતઃ કોર્ટે કહ્યું કે રોડ પહોળો કરવાથી લાભ મેળવનારા ધનિક લોકોની ઓળખ કરવી જોઈએ અને બાંધકામ ખર્ચ અનુસાર તેમની પાસેથી એકંદર રકમ વસૂલ કરવી જાઈએ.
સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ડીડીએને સ્પષ્ટતા કરવા કહ્યું હતું કે શું વૃક્ષો કાપવાનો આદેશ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના દ્વારા આપવામાં આવ્યો હતો, જે ડીડીએના અધ્યક્ષ પણ છે. જોકે,ડીડીએએ દાવો કર્યો હતો કે એલજીની મુલાકાત સીએપીએફઆઇએમએસ હોસ્પિટલ સાથે સંબંધિત હતી અને તેમના સચિવાલયમાં આ મુલાકાતનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ડ્ઢડ્ઢછ ‘ઉચ્ચ અધિકારીઓને બચાવવા’નો પ્રયાસ કરી રહ્યું છે.
જોકે કોર્ટે ડીડીએની કાર્યવાહી ખોટી ગણાવી હતી, પરંતુ તે એવું પણ માનતું હતું કે રસ્તો પહોળો કરવાનો હેતુ સીએપીએફઆઇએમએસ હોસ્પિટલ સુધી ઇમરજન્સી વાહનોની પહોંચને સરળ બનાવવાનો હતો, જે ‘જાહેર હિત’નું કાર્ય છે. આ કારણોસર, કોર્ટે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું, પરંતુ પર્યાવરણીય નુકસાનની ભરપાઈ કરવા માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને ડીડીએ ને પર્યાવરણીય સંરક્ષણ માટે તેમની કામગીરી સુધારવાની સલાહ આપી છે.










































