રાજધાની દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળી છે. ગઈકાલે દિલ્હીમાં એકયુઆઇ એટલે કે હવાની ગુણવત્તા ૪૭૬ હતી, જે આજે ઘટીને ૩૮૬ થઈ ગઈ છે. એટલે કે, હવામાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હજી પણ અત્યંત ખરાબ શ્રેણીમાં છે. ગઈકાલે સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ માટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઈમરજન્સી પ્લાન જણાવવા કહ્યું હતું. પછી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આંશિક લોકડાઉન લગાવી દીધું હતું. આ તરફ ગુજરાતમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં હવાનું પ્રદૂષણ ખરાબ કેટેગરીમાં નોંધાયું છે.
દેશના ઘણા ભાગોમાં ખરાબ હવાના કારણે મોટી સંખ્યામાં લોકો પર્વતીય પ્રદેશોમાં ફરવા જઇ રહ્યા છે. શિમલાના હોટેલ ડ્રાઈવરે કહ્યું કે હાલમાં હોટેલો દરરોજ ૭૦-૮૦% સુધી ફુલ છે. દિવાળી પછી હોટલોનું બુકિંગ વધ્યું છે. હિમાચલનો છઊૈં પડોશી રાજ્યો કરતાં ઘણો સારો છે. આવી સ્થિતિમાં પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે પ્રવાસીઓ અહીં સારી હવા લેવા માટે આવી રહ્યા છે.
દિલ્હી સરકાર દ્વારા તમામ શાળાઓને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે, જ્યારે તમામ સરકારી કર્મચારીઓને પણ ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. નેશનલ રાજધાનીમાં આંશિક લોકડાઉન જેવા આ નિર્ણયો પ્રદુષણ મુદ્દે યોજોયેલી તાકીદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણયોની જોહેરાત કરી હતી અને ચેતવણી આપી હતી કે અમે સંપૂર્ણ લોકડાઉન મુદ્દે પણ વિચાર કરી રહ્યા છીએ. ખાનગી વાહનો પણ બંધ કરવાનું વિચારી રહ્યા છે. તમામ બાંધકામ પ્રવૃત્તિઓને અટકાવી દેવામાં આવી છે.
દિલ્હીમાં દિવસે ને દિવસે ઝેરી હવા પ્રદૂષણ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એનવી રમના દિલ્હીના હવાના પ્રદૂષણ મુદ્દે એક અરજી પર સુનાવણી કરી હતી. તેમણે સરકારને ઠપકો આપતા કહ્યું કે તમે જોઈ રહ્યા છો કે સ્થિતિ કેટલી ગંભીર છે. અમે અમારા ઘરોમાં પણ માસ્ક પહેરીને રહીએ છીએ. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં શાળાઓ ખોલવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે વહીવટીતંત્રને તાત્કાલિક જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. જેમ કે દિલ્હીમાં વાહનો રોકવા અને લોકડાઉન લાગુ કરવું.