સંસદના શિયાળુ સત્ર દરમિયાન શુક્રવારે લોકસભામાં ઓક્સીજનની કમી અને કોરોના મુદ્દા પર બોલતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રસ્તા પર ઓક્સીજન ટેન્કર ફરતા રહ્યા પરંતુ તેને ખાલી કરવાની જગ્યા નહોતી. સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠકમાં વારંવાર કહ્યુ હતુ કે તેમાં છુપાવવાની કોઈ વાત નથી, કોરોનાથી મોત થયા છે તેના ડેટા આપો.
તેમણે કહ્યું કે, દિલ્હીના રસ્તા પર ટેન્કર ફરતા રહ્યા પરંતુ ખાલી કરવાની જગ્યા નહોતી. માંડવિયાએ કહ્યુ કે, ખુબ રાજનીતિ થઈ ઓક્સીજનના મુદ્દા પર અને મોતના મુદ્દા પર. પ્રધાનમંત્રી સતત તે કહેતા રહ્યા કે મોતનો આંકડો છુપાવવાની જરૂર નથી. કેટલાક રાજ્યોએ જરૂરીયાત કરતા વધુ ઓક્સીજનની માંગ કરી હતી.
તેમણે આગળ કહ્યું કે, અમે બધા રાજ્યોને તેને લઈને આંકડા વિશે પૂછ્યુ હતું. ૧૯ રાજ્યોએ તેના પર જવાબ આપ્યો પરંતુ માત્ર પંજાબે જણાવ્યું કે, ઓક્સીજનની કમીને કારણે ત્યાં શંકાસ્પદ મોત થયા. ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઓક્સીજનની કમીથી થયેલા મોતનો તેમની પાસે આંકડો નથી. ત્યારબાદ વિપક્ષી દળોએ સરકાર પર નિશાન સાધ્યુ હતું.