દિલ્હીમાં સોમવારથી વિધાનસભાનુ ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ છે. મંત્રી કૈલાશ ગેહલોતે સદનમાં ધારાસભ્યો, મંત્રીઓ, ચીફ વ્હિપ, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અને લીડર ઓફ ઓપોઝિશનના પગાર ભથ્થામાં વધારાનુ બિલ મંત્રી કૈલાશ ગેહલોતે રજૂ કર્યુ.
આ નવા પ્રસ્તાવ અનુસાર હવે દિલ્હીના ધારાસભ્યોને પગાર તરીકે દર મહિને ૧૨ હજારના બદલે ૩૦ હજાર રૂપિયા મળશે. પગાર સિવાય અન્ય ભથ્થામાં પણ વધારો થઈ રહ્યો છે. પગાર અને તમામ ભથ્થા મળીને હવે દિલ્હીના ધારાસભ્યોને દર મહિને ૯૦ હજાર રૂપિયા મળશે. જે રકમ અત્યાર સુધી ૫૪ હજાર રૂપિેયા હતી. દિલ્હીના ધારાસભ્યો અને મંત્રીઓના વેતનમાં છેલ્લીવાર વધારો ૨૦૧૧માં થયો હતો.
પગારમાં વધારા સાથે જાડાયેલા કુલ ૫ બિલ આજે સદનમાં રજૂ કરાયા. જેમાં મંત્રીઓના વેતન અને ભથ્થામાં સુધારા બિલ, સદનના સદસ્યો એટલે કે ધારાસભ્યોના વેતન અને ભથ્થામાં સુધારા બિલ, ચીફ વ્હિપના વેતન અને ભથ્થામાં સુધારા બિલ, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના વેતન અને ભથ્થામાં સુધારા બિલ અને નેતા પ્રતિપક્ષનુ વેતન અને ભથ્થામાં સુધારા બિલ સામેલ છે.
લગભગ ૧૧ વર્ષ બાદ દિલ્હી વિધાનસભાના સભ્યો અને મંત્રીઓના વેતનમાં વધારો થયો છે. મે મહિનામાં કેન્દ્ર સરકારે દિલ્હીના ધારાસભ્યો-મંત્રીઓના વેતનમાં વધારાને પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ૨૦૧૫માં જ દિલ્હી સરકારે કેન્દ્રને વેતનમાં વધારાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પરંતુ ત્યારે તે મંજૂર ના થયો.
જે બાદ કેન્દ્ર સરકાર તરફથી મળેલા સૂચન પર દિલ્હી વિધાનસભાએ બીજીવાર વેતનમાં વધારાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો, જેને કેન્દ્રએ મંજૂર કરી લીધુ અને દિલ્હી કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.