૨૦૨૦ ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો કેસમાં, રાઉઝ એવન્યુ કોર્ટની સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તપાસના આદેશને પડકારતી દિલ્હીના કાયદા પ્રધાન કપિલ મિશ્રાની અરજી પર સુનાવણી મુલતવી રાખી. સ્પેશિયલ જજ દિગ્વીજય સિંહે કેસની આગામી સુનાવણી ૨૬ મેના રોજ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન, કોર્ટને જાણ કરવામાં આવી હતી કે કેસના બે પક્ષકારો સમન્સની નકલ મેળવી શક્યા નથી કારણ કે તેમના સરનામાં અધૂરા હતા. જે બાદ કોર્ટે કેસની સુનાવણી ૨૬ મે સુધી મુલતવી રાખી હતી. કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના આ મામલાની તપાસ કરવાના આદેશ પરનો સ્ટે આગામી આદેશ સુધી લંબાવ્યો હતો.
અગાઉ ૯ એપ્રિલના રોજ, સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો અને મેજિસ્ટ્રેટ કોર્ટના અરજદારને નોટિસ જારી કરી હતી. કપિલ મિશ્રા અને દિલ્હી પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટની મેજિસ્ટ્રેટ કોર્ટે કપિલ મિશ્રા વિરુદ્ધ દિલ્હી રમખાણોમાં સંડોવણી બદલ તપાસનો આદેશ આપ્યો હતો. આ આદેશ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાએ આપ્યો હતો.
અગાઉ, કરકરડૂમા કોર્ટે કપિલ મિશ્રાના કેસમાં બેદરકારી બદલ જ્યોતિ નગર પોલીસ સ્ટેશનના એસએચઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ પણ આપ્યો હતો. આ સમય દરમિયાન, મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે કપિલ મિશ્રા વિરુદ્ધ કોગ્નીઝેબલ આરોપો છે અને તેની તપાસ થવી જાઈએ. કોર્ટે દિલ્હી પોલીસને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ, કરકરડૂમા કોર્ટે કહ્યું હતું કે કાં તો તપાસ અધિકારીએ કપિલ મિશ્રા વિરુદ્ધ કોઈ તપાસ કરી નથી અથવા તેમણે કપિલ મિશ્રા વિરુદ્ધના આરોપોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આરોપી કપિલ મિશ્રા એક જાહેર વ્યક્તિ છે અને તેના વિશે વધુ તપાસની જરૂર છે. કારણ કે આવા લોકો જનતાના અભિપ્રાય પર સીધો પ્રભાવ પાડે છે. જાહેર જીવન જીવતી વ્યક્તિ પાસેથી બંધારણના દાયરામાં રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ મામલો યમુના વિહારના રહેવાસી મોહમ્મદ ઇલ્યાસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે સંબંધિત છે જેમાં મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. જાકે, દિલ્હી પોલીસે આ અરજીનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે કપિલ મિશ્રાની રમખાણોમાં કોઈ ભૂમિકા નહોતી.