દિલ્હીના દ્વારકા સેક્ટર-૧૩માં ભીષણ આગ લાગી. આ આગ શબ્દ એપાર્ટમેન્ટના સાતમા માળે લાગી છે. ૮ ફાયર એન્જીન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. બિલ્ડિંગ પરથી કૂદવાથી પિતા સહિત બે બાળકોના મોત થયા છે. બિલ્ડિંગમાં લાગેલી આગ બુઝાવવાનું કામ હજુ પણ ચાલુ છે.
એપાર્ટમેન્ટમાં લાગેલી આગને કારણે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. આખા એપાર્ટમેન્ટને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં, કેટલાક લોકો ફસાયા હોવાની શક્યતા છે. આ અકસ્માતમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા છે. પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
એપાર્ટમેન્ટમાં રહેતા લોકો તેમના સામાન બળી જવાથી ચિંતિત છે. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી વધતી જાવા મળી હતી. આગ ઝડપથી અન્ય માળ તરફ પણ ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં, બિલ્ડિંગના અન્ય માળ અને નજીકની ઇમારતોના લોકો પણ ડરી રહ્યા છે કે આ જ્વાળાઓ તેમના ઘરોને પણ બાળી શકે છે.
બીજી તરફ, રવિવારે મોડી રાત્રે દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં આગની ઘટના નોંધાઈ હતી. દિલશાદ ગાર્ડનની કોડી કોલોનીમાં ઈ-રિક્ષા ચાર્જ કરતી વખતે આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જીવ ગુમાવનારાઓમાં એક ૨૪ વર્ષીય યુવક અને એક ૬૦ વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગને રાત્રે ૧૧ઃ૩૨ વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ ચાર ફાયર એન્જીન ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં બે ઈ-રિક્ષા અને કેટલીક મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ હતી.