અમરેલીના સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને સંઘાણી પરિવારે સાવરકુંડલા ખાતેના માનવ મંદિર આશ્રમમાં નિર્માણાધીન છાત્રાલય માટે દાન આપીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ છાત્રાલયના એક રૂમના નિર્માણ માટે દિલીપભાઈ સંઘાણીએ પોતાના લઘુબંધુ સ્વર્ગસ્થ ચંદુભાઈની સ્મૃતિમાં રૂ.૧,૫૧,૦૦૦નું દાન ભક્તિબાપુને અર્પણ કર્યું છે. આ માનવ મંદિર આશ્રમ છેલ્લા ૧૨ વર્ષથી નિરાધાર, રખડતા અને મનોરોગીઓની નિઃશુલ્ક સેવા કરતું એક અનુપમ સેવાધામ છે. ભક્તિ બાપુના નેતૃત્વ હેઠળ આ આશ્રમ રામના ભરોસે સેવાકાર્યને આગળ ધપાવી રહ્યો છે. ભક્તિ બાપુના મનમાં ગામડાઓમાં રહેતા, રામજી મંદિર કે શિવાલયની પૂજા કરી રહેલા જરૂરિયાતમંદ પૂજારીઓના બાળકોને શિક્ષણ આપવાનો વિચાર ઘણા સમયથી હતો. આ વિચારને સાકાર કરવા આશ્રમમાં જ આવા પૂજારીઓના બાળકો માટે એક છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં રહેવા-જમવાની સુવિધા વિનામૂલ્યે મળશે. દાતાઓના સહયોગથી આ છાત્રાલયનું કામ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે.