અમરેલીમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના જન્મદિવસે અમરેલીની વિવિધ સહકારી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. જનસેવા અને લોકસેવાના મૂકસેવક એવા દિલીપભાઈ સંઘાણીનો ૧૨મી મે ના રોજ જન્મદિવસ સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. દિલીપભાઈ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે અમરેલીની અનેક સેવાભાવી સંસ્થાઓએ વિવિધ સેવાકાર્યોનું આયોજન કર્યું હતું. ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર ખાતે આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇફ્‌કો દ્વારા કામધેનુ ગૌશાળામાં બીમાર ગાયોને લીલો ચારો પૂરો પાડવામાં આવ્યો હતો, જ્યારે ગોપાલ ફાયર સેફટી દ્વારા જેશીંગપરા ગૌશાળામાં લીલો ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ ગ્રુપ દ્વારા સાવરકુંડલા રોડના પછાત વિસ્તારમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિ પેઢીના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા માણેકપરા શાળાના ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમર ડેરી દ્વારા રાજકમલ ચોક ખાતે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ખરીદ વેચાણ સંઘ દ્વારા સાવરકુંડલાના માનવ મંદિરમાં ભોજનનું આયોજન કરાયું હતું.
માધવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખોડીયાર મંદિર બ્રાહ્મણ સોસાયટી ખાતે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇફ્‌કો દ્વારા ચિતલ રોડ ડેમ પાસે બટુકભોજન અને અમર ડેરી દ્વારા પ્રતાપપરામાં બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મનોજભાઈ માધડ અને તેમના ગ્રુપ દ્વારા મહિલા વિકાસ ગૃહમાં ભોજન પીરસવામાં આવ્યું હતું, જ્યારે અમર ડેરી દ્વારા તપોવન આશ્રમમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, અમરેલીની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ દિલીપભાઈ સંઘાણીના જન્મદિવસને સેવાકાર્યોથી ઉજવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.