અમરેલી જિલ્લાના સહકારી અગ્રણી અને હવે કેન્દ્રમાં છેલ્લાં બે ટર્મથી અમરેલી જિલ્લાનું નામ રોશન કરનાર દિલીપભાઈ સંઘાણીની ફરી એકવાર ઈફકોના ચેરમેન તરીકે નિમણૂંક થતા અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં હરખની હેલી ઉપડી છે. ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ચેરમેન તરીકે ફરી ગુજરાતી દિલીપભાઈ સંઘાણી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે બલવીંદરસિંઘ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે ફર્ટિલાઈઝર ક્ષેત્રે હરણફાળ ભરનાર ઇફ્કોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઇફ્કોનું વર્ષે ૬૦ હજાર કરોડથી વધુનું ટર્નઓવર છે. ૨૧ ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીંદરસિંઘને વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. દિલીપભાઈ સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયેલા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીંદરસિંઘ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે. ઈફ્કોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી. ગઈકાલે જયેશ રાદડિયાને જિતાડી તેમજ આજે બિનહરીફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઈફ્કોમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ચેરમેન તરીકેની દિલીપભાઈ સંઘાણીની આ બીજી ટર્મ છે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફકોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. ઈફકોના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણીની વરણી થતા જ અમરેલી જિલ્લામાં ફટાકડા ફોડી જશ્નનો માહોલ જાવા મળી રહ્યો છે. ભાજપ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છો દિલીપભાઈ સંઘાણીને ફોન કરીને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
આગામી રવિવારે દિલીપભાઈ સંઘાણીનો શુભેચ્છા સમારોહ યોજાશે
સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી સતત બીજીવાર બિનહરીફ ઈફકોના ચેરમેન બન્યા છે અને સંજાગોવશાત ૧ર મી મેના રોજ તેમનો જન્મદિવસ પણ છે ત્યારે ૧ર મે રવિવારના રોજ તેમનો શુભેચ્છા સમારોહ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાશે. આ તકે તેમના સ્નેહી મિત્રો, સ્વજનો, મિત્રો અને શુભચિંતકો તેમજ ભાજપના કાર્યકરો તેમના જન્મદિવસ અને ઈફકોના ચેરમેન બનવા બદલ શુભેચ્છા આપવા માંગતા હોય તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય અમરેલી ખાતે પધારવા જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
બોર્ડ ઓફ ડાયરેકટરનો આભાર માનતા દિલીપભાઈ સંઘાણી
ઈફકોના ચેરમેન બન્યા બાદ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ઇફ્કોના બોર્ડ ઓફ ડાયરેક્ટરએ મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ હું તમામ બોર્ડ સભ્યોનો આભાર માનું છું, આવનારા સમયમાં નેનો યુરિયા અને ડ્રોનના પગલે સહકારી ક્ષેત્રે એક નવી ઊંચાઈ પર લઈ જવા માટેની નેમ એમણે વ્યક્ત કરી હતી, ઇફકો દ્વારા નવી ટેકનોલોજીના માધ્યમથી નેનો યુરિયા અને નેનો ડીએપી વિશેની માહિતીનો પ્રચાર પ્રસાર કરી વધુમાં વધુ ખેડૂતોને ઉપયોગી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે ‘સહકારથી સમૃદ્ધિ’ માટે જે સરકારનું વિઝન છે તેમાં આગળ વધવામાં આવશે.