પાર્ટી વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહના નાના ભાઈ લક્ષ્મણ સિંહ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. પાર્ટીની શિસ્ત સમિતિએ લક્ષ્મણ સિંહના તાજેતરના વિવાદાસ્પદ નિવેદનોને ગંભીરતાથી લીધા છે અને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. લક્ષ્મણ સિંહને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, જેનો જવાબ પાર્ટીને સંતોષકારક ન હતો.
૨૫ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શોક સભા દરમિયાન લક્ષ્મણ સિંહે પાર્ટી નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. ગુના સભામાં તેમણે રાહુલ ગાંધી, ઓમર અબ્દુલ્લા અને રોબર્ટ વાડ્રા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
આ નિવેદનથી પાર્ટીમાં નારાજગી ફેલાઈ હતી. લક્ષ્મણ સિંહે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર પણ ગંભીર ટિપ્પણી કરી હતી, જેમાં કહ્યું હતું કે તેઓ “આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ” કરી શકે છે.
આ નિવેદનો પછી, ૯ મેના રોજ કોંગ્રેસ શિસ્ત કાર્યવાહી સમિતિના અધ્યક્ષ સાંસદ તારિક અનવર દ્વારા લક્ષ્મણ સિંહને નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં તેમને ૧૦ દિવસની અંદર જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારી અને છૈંઝ્રઝ્ર મહાસચિવ હરીશ ચૌધરી તરફથી લક્ષ્મણ સિંહ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ વારંવાર જાહેર નિવેદનો આપવા અંગે ફરિયાદ મળી છે. પાર્ટીનું કહેવું છે કે આ નિવેદનોથી કોંગ્રેસની છબી અને ગરિમાને ગંભીર નુકસાન થયું છે.
લક્ષ્મણ સિંહે સમયસર પાર્ટીને પોતાનો જવાબ મોકલ્યો હતો, પરંતુ શિસ્ત સમિતિને તેમનો જવાબ અસંતોષકારક લાગ્યો હતો. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, સમિતિ હવે તેમની સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીની ભલામણ કરવાની તૈયારી કરી રહી છે. આમાં પાર્ટીમાંથી હકાલપટ્ટીનો પણ સમાવેશ થઈ શકે છે.
નોંધનીય છે કે લક્ષ્મણ સિંહ પહેલા પણ ભાજપમાં હતા અને પછી કોંગ્રેસમાં પાછા ફર્યા છે. હાલમાં, તેઓ કોંગ્રેસના સભ્ય છે પરંતુ તેમના નિવેદનોને સતત પાર્ટીમાં અસ્વસ્થતા અને અસંતોષનું કારણ માનવામાં આવી રહ્યું છે.