ભારતને ૧૯૮૩માં સૌપ્રથમ વર્લ્ડ કપ અપાવનારા મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે કહ્યું છે કે, ભારતના દિગ્ગજ ઓપનર ગુન્ડપ્પા વિશ્વનાથ મારા બાળપણના હિરો હતા. હું બાળપણમાં રેડિયો કોમેન્ટ્રી સાંભળીને વિશ્વનાથના વ્યક્તિત્વ, તેમની બેટિંગની શૈલી અને મિજાજની કલ્પના કરતો. આ પ્રકારે ઘણા વર્ષો વિતાવ્યા બાદ આખરે મેં તેમને બેટીંગ કરતાં નજરોનજર જાયા ત્યારે હું ખુબ જ રોમાંચિત થઈ ગયો હતો.
કપિલ દેવે એક આત્મકથાના લોન્ચિંગ કાર્યક્રમમાં આ અંગેનો ખુલાસો કર્યો હતો. એક જમાનાના ટીમ ઈન્ડિયાના ક્લાસિક બેટ્સમેન વિશ્વનાથે ૯૧ ટેસ્ટમાં ૪૧.૯૩ની સરેરાશથી ૬,૦૮૦ રન ફટકાર્યા હતા. તેઓએ ૨૫ વન ડેમાં પણ ભાગ લીધો હતો. વિશ્વનાથે નવેમ્બર, ૧૯૬૯માં ઓસ્ટ્રેલિયા સામેની કાનપુર ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તે સમયે કપિલદેવ માત્ર ૧૦ વર્ષના હતા.
ભારતના ધુરંધર ઓલરાઉન્ડરે કહ્યું કે, રેડિયો પર ક્રિકેટ મેચની રનિંગ કોમન્ટ્રી આવતી. તેમાં કોમેન્ટેટરો જે પ્રકારે વિશ્વનાથના એપ્રોચનું વર્ણન કરતાં તેનાથી મારા મનમાં તેમની એક ઈમેજ બંધાઈ ગઈ હતી. કોમેન્ટેટર્સ તેમના વ્યક્તિત્વ અંગે અને તેમની બેટિંગ અંગે વાત કરતા. તેનાથી હું એટલો પ્રભાવિત થયો હતો કે, મારા માટે તો તેઓ જ વિશ્વના સૌથી શ્રેષ્ઠ પ્લેયર હતા.
તેમણે ઊમેર્યું કે, ટેલિવિઝન રમતોને ઘર-ઘર સુધી લઈ આવ્યું ત્યાં સુધી મારી જેમ હજ્જારો યુવાઓ કોમેન્ટ્રી સાંભળીને રમતવીરોને આદર્શ માનતા હતા. કપિલ દેવે ૧૯૭૮માં ટેસ્ટ પ્રવેશ મેળવ્યો ત્યારે વિશ્વનાથ ભારતીય ટીમનો મહત્વનો હિસ્સો હતા. જે પછી કેટલાક વર્ષો તેઓ સાથે રમતાં રહ્યા હતા.
કપિલે ઊમેર્યું કે, કોમેન્ટેટર્સની કોમેન્ટ્સને કારણે જ રમતવીરોની ઈમેજ ઘડાતી. ઘણીવાર તો અમે રમતવીરો એમ વિચારતા હોઈએ છીએ કે, અમને જે પ્રકારે રજૂ કરવામાં આવે છે, શું અમે એટલા સારા છીએ !