(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૧
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું ચાર દિવસ વહેલું એટલે કે ૧૧ જૂને વિધિવત આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમેધીમે રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધતુ હોય છે. પરંતુ, રાજ્યમાં વિધિવત પ્રવેશના ૧૦ દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. લોકોએ સારા વરસાદ માટે હજી થોડી રાહ જાવી પડે તેમ છે. આજે દાહોદ, મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી વચ્ચે સાંજના સમયે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી.અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાંજના સમયે શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે છોટાઉદેપુરના ક્વાંટ ૧૫ એમએમ અને વાપીમાં ૨ એમએમ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મેઘરાજાની સવારી ગતરોજ ગુરુવારે મોડી રાત્રે આવી પહોંચી હતી. નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. લગભગ ૧ કલાક ઉપરાંત ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
નડિયાદ શહેર સહિત ડભાણ, મંજીપુરા, સિલોડ, યોગીનગર, પીપલગ વિગેરે વિસ્તારોમાં મોડીરાત્રે વરસાદી છૂટાછવાયા ઝાપટાંઓ પડ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત નગરવાસીઓ અને ગ્રામજનો કંટાળ્યા હતા અને છેવટે વરસાદના આગમનથી લોકો હરખાયા હતા. ખાસ કરીને બાળકો ગામની ગલીઓમાં ન્હાવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. તો વળી રાત્રે ટહેલવા નીકળેલું યુવાધન પણ આ વરસાદી ઝાપટા પલળી આનંદ વ્યક્ત કર્યો છે.