(એ.આર.એલ),દાહોદ,તા.૧
દાહોદમાં ખળભળાટ મચાવનારા નકલી કચેરી કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ ઝડપાયું છે. જેમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે. આ નકલી હુકમ કૌભાંડમાં જમીનમાં એનએ બાદ પ્લોટિંગ કરી વેચાણ કરાતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ અંગે તપાસ કરતા જમીન માલિક અને નકલી હુકમો બનાવનારા શખ્સોની અટક કરી છે.
પોલીસે જમીન માલિક જકરીયા ટેલર અને હુકમો બનાવનારા શૈશવ શાહની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે. બન્ને આરોપીને અઢી દિવસના રિમાન્ડ આપાયા છે. જેને આધારે પોલીસ હવે આરોપીઓએ નકલી હુકમો કેટલી જમીનમાં રજૂ કરાયા હતા તેની તપાસ કરી રહી છે.આ અંગે દાહોદ જિલ્લા પંચાયતના ચીટણીશ વિજય ડામોરે ફરિયાદ નોંધાવી હતી.આ કેસમાંમાં કેટલાક અધિકારીઓ તથા કર્મચારીઓ આ નકલી એનએ હુકમોના કૌભાંડના રડારમાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ કૌભાંડ દ્વારા કરોડો રૂપિયાનું પ્રિમીયમ ઉડાવી સરકારી
તિજારીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.તપાસમાં સાડા બાર એકર ખેતીલાયક જમીનમાં નકલી એનએ હુકમો રજૂ કરાયા હાવનો ફુલાસો થયો છે. આમ ખેતીલાયક જમીનમાં નકલી હુકમો કરીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.