ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોગ્ય આધારિત દારૂના પરવાનાઓ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં આ પરવાનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં કુલ ૭,૩૯૦ પરવાના મંજૂર કરવામાં આવ્યા છે. બીજી બાજુ, ગાંધીનગર જિલ્લામાં ફક્ત ૯૫૦ પરવાના અપાયા છે. દારૂના પરવાનાથી રાજ્યની રોગી કલ્યાણ સમિતિને અમદાવાદમાં ૧૨.૭૧ કરોડ અને ગાંધીનગરમાં ૮૬.૬૦ લાખ રૂપિયાની આવક થઈ છે.

ગુજરાત વિધાનસભામાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દારૂના પરવાનાની વિગતો વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ગૃહ વિભાગે આ આંકડા રજૂ કર્યા. વિશેષ વાત એ છે કે અમદાવાદમાં ૧૨૭ અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જ્યારે ગાંધીનગરમાં કરાયેલી તમામ અરજીઓ મંજૂર થઈ હતી.

ગુજરાતમાં દારૂના પરવાના માટે અરજદારોને આરોગ્ય પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે, જે દર્શાવે છે કે આરોગ્ય કારણોસર દારૂની જરૂર છે. આ પરવાનાઓ જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર થાય છે અને તેની ફી આરકેએસમાં જમા થાય છે, જે આરોગ્ય સેવાઓ માટે વપરાય છે. પરવાના માટે અરજદારોની ઉંમર સામાન્ય રીતે ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ અને તેમની પાસે સ્પષ્ટ આરોગ્ય સમસ્યાઓ હોવી જરૂરી છે.

ઉદ્યોગપતિઓ અને ઉચ્ચવર્ગીય લોકોની માંગમાં વધારો પરવાનાની સંખ્યાને અસર કરી રહ્યો છે. આ સાથે, સરકારના દારૂબંધીના નિયમો અને તેના અમલ પર પ્રશ્નો પણ ઊભા થયા છે. રાજ્ય સરકારે દારૂના પરવાના માટેની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા ડિજિટલ સિસ્ટમ લાગુ કરી છે, જેથી ગેરરીતિઓ અટકી શકે. તેમ છતાં, દારૂબંધી હોવા છતાં દારૂના પરવાના માટે થઈ રહેલી અરજીઓની સંખ્યાએ રાજ્યની દારુબંધી નીતિ અંગે ચર્ચા જગાવી છે.

આરકેએસ દ્વારા મળતી આવકનો મોટો હિસ્સો હોસ્પિટલોના આધુનિકીકરણ માટે વપરાય છે. જાકે, દારૂના પરવાના પ્રમાણમાં વૃદ્ધિથી સરકારની દારૂબંધીની નીતિઓની અસરકારકતા પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે હજારો લોકો દારૂના પરવાના માટે અરજી કરી રહ્યા છે, ત્યારે રાજ્યમાં દારૂબંધી અને તેના અમલની અસરકારકતા પર ચર્ચા ઉઠી છે.