ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ ગુજરાતમાં ભારે રસાકસીભર્યો રહ્યો. કોઈના ભાગમાં હાર તો કોઈના ભાગમાં જીત આવી. પરંતુ ક્યાંક આશ્ચર્યજનક રીતે જીત પણ નોંધાઈ છે. પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી ચૂંટણી જીત્યો છે. વડોદરા પાસેના રતનપુર ગામે દારૂના ત્રણ ગુનામાં વોન્ટેડ બુટલેગર ચૂંટણી જીત્યો છે. પોતે પોલીસ ચોપડે વોન્ટેડ હોવાથી ટેકેદાર પાસે ઉમેદવારી ફોર્મ ભરાવ્યું હતું. સરપંચની પેનલના ઉમેદવાર રાકેશ ઉર્ફે લાલા સામે એક ડઝન જેટલા ગુના નોંધાયા છે. પોલીસ દ્વારા રાકેશ સામે પાસાની દરખાસ્ત પણ તૈયાર કરાઈ હતી.

રાકેશ ઉર્ફે લાલાએ રતનપુર ગામની પંચાયત ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું. રાકેશ ઉર્ફે લાલો દારૂના બે ગુનામાં વોન્ટેડ હતો. છતા તેણે ગામના વોર્ડ નંબર ૧ માંથી ઉમેદવારી નોંધાવી હતી. જાકે, આશ્ચર્યની વાત તો એ છે કે, રાકેશ ઉર્ફે લાલો પોલીસ ચોપડે ફરાર હતા. તે ગ્રામ પંચાયતની ચૂંટણી ભરવા માટે જાતે આવ્યો ન હતો. તેણે ટેકેદારના માધ્યમથી ફોર્મ ભરાવ્યુ હતું.

જાકે, રસપ્રદ વાત તો એ છે કે, રાકેશ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન જ વોન્ટેડ જાહેર કરાયો હતો, જે કપૂરાઈ ગામની સીમમાં દારૂના ટેમ્પા સાથે ઝડપાયો હતો. વડોદરા ડભોઇ રોડ પર આવેલ રતનપુર ગામની પંચાયત ચૂંટણીમાં ઊભા રહેલ ઉમેદવાર રાકેશ ઉર્ફે લાલો તેમજ તેના ભાઈ હિતેશ ઉર્ફે પપ્પુએ મધ્યપ્રદેશથી મંગાવેલો ૧૪.૭૬ લાખની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. સરપંચની ચૂંટણીમાં મતગણતરીમાં રાકેશને ૮૦ મત મળતા તેની જીત થઈ હતી. તો હરીફ ઉમેદવારને માત્ર ૪૯ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાકેશ ઉર્ફે લાલા સામે એક ડઝન જેટલા ગુના નોંધાયા છે તેની સામે પાસાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી હતી.