“તું સાચું કહે છે ને ? કાશ…, ઊંઘમાં મને કંઇક આભાસ થયો હશે. મારૂં મગજ પણ ફરે છે…! પરંતુ મારો આભાસ ખોટો પણ ન હોય શકે…”
“જવા દે આવી વાત, કહે…. તને કેમ છે ?”
“થોડું સારૂં છે. થાય છે કે મને રોજ તાવ આવે તો સારૂં…”
“તું આવું કેમ બોલે છે ?”
“સારૂં કહું છું. મને તાવ આવે તો… તું આમ મારા માથા પાસે બેસ તો ખરો ”
“બાએ કહ્યું એટલે મારે બેસવું પડયું.”
“સાચું કહે, મારા સમ છે તને, તે ઊંઘમાં મને….”
“કંઇ નથી કર્યું….. જયોતિ !”
“મને ખબર છે, હજીપણ તું સાચું નથી કહેતો. સાચું બોલવામાં શરમ શી ? મને અહેસાસ થયેલો કે, તે મારા હોઠ પર….”
“હોઠ ભીડી દીધા હતા સાચું છે જ્યોતિ. મારા હોઠ તારા હોઠ સાથે મેં સાચે જ ચપોચપ ભીડી દીધા હતા. તો શું થયું ? એ દિવસે સવાર સવારમાં મારા રૂમમાં આવીને તે પણ મારા હોઠ પર તાર હોઠને…”
“ભીડી દીધા હતા. હું કયાં ના પાડુ છું. પરંતુ એ મેં કરેલા ચુંબનનો વળતો જવાબ તે અત્યારે મારી બંધ આંખે આપી દીધો… એમને ?”
“ના જ્યોતિ, એવું નથી. મને તું એવો ના સમજ. પરંતુ સત્ય એ છે કે, આ સમયે મારાથી આવુ પગલું કેમ ભરાયું તે મને પોતાને હજી પણ ખબર નથી પડતી. કદાચ મારો જાતીય આવેશ હોય શકે…”
“સારૂં…, તું આવેશ કહે, જિન્સી આવેગ કહે, પ્રેમ કહે કે પ્રણય પરંતુ મારા હોઠને સ્પર્શ કરવાથી, હોઠને ચૂમી ભરવાથી તને મળ્યું શું ?
“બસ…., એક અનહદ ખુશી, અલૌકિક આનંદ, એક અજીબ પ્રકારની તૃપ્તિ, માનસિક સંતોષ અને વધારોમાં વધારે આ મીઠી મીઠી વેદાનાના ઘેઘૂર વલયોમાં પરમ સુખની તૃપ્તિના ઓડકાર મને ખાવા મળ્યા…”
“ચાલ હવે…., તારી આવી અઘરી ભાષા સમજવા મારે ટયૂશન રાખવુ પડશે. પરંતુ આ બધું મીઠું – મધુર દર્દ તે અનુભવ્યું, એ સમયે મારી આંખો તો બંધ હતી. હવે મારી આંખો ખુલ્લી છે જા, મારા હોઠ પણ તદ્દન તારી નજીક છે. થોડીવાર પહેલા તે જે કંઇ કર્યુ તે હવે અત્યારે કર હું ખુલ્લી આંખે જાઇ તો શકુ…!”
“સાચે જ કરૂં…?”
“હાસ્તો વળી…”
ને….,
એકપણ બીજા શબ્દ જ્યોતિના મોમાંથી બહાર નીકળે તે પહેલાં તો દામલના હોઠ જ્યોતિના હોઠ સાથે તીવ્રતાથી ચોંટી જ ગયા ત્યારે જ્યોતિની આંખો એમ જ ખુલ્લી હતી. તેના હોઠ પણ પ્યાસને સમાવવા થરકવા માંડયા. પરંતુ ત્યારે એક વાત બની. દામલનો નયનો આપોઆપ બંધ થઇ ગયા હતા.
દામલની એ બંધ આંખોમાં કેવા કેવા સપનાં જાગતા હશે…? ને…હોઠ સાથે હોઠનો સંગમ કયાંય સુધી ટકી રહ્યો. એ સંગમમાં મિલનના ઘેરા નાદ અસહ્ય ઘોંઘાટ કરવા લાગ્યા પછી એવા એ ઘોંઘાટમાં બે ચહેરા, બે દિલ, બે આત્મા, બે શરીર…પણ એકરૂપ થવા ખૂબ ખૂબ મથી રહ્યા હતા.
લગભગ અર્ધા કલાક પછી, રસોડાના કામકાજમાંથી પરવારી જઇ બા જ્યોતિ પાસે આવ્યા. દામો તો હજી જ્યોતિના માથા પાસે સૂનમૂન બેઠો હતો ત્યારે જ્યોતિ તેની આંખો બંધ કરી ઊંઘતી હોય તેમ દેખાયું.
“હવે તારે જવું હોય તો જા, હું પોતો મુકીશ…” દામા પાસે ઊભા રહી બાએ આમ કહ્યું. એટલે દામો ઊભો થયોને તેની જગ્યા બાએ લીધી. એ સમયે દામો… થોડે દૂર થોડીવાર તો એમ જ ઊભો રહ્યો છેવટે તે ચાલીને રૂમ બહાર નીકળ્યો.
આ સમયે રાતના સાડા – દસ થયા હતા. હવે ગામમાં લટાર મારવા જવાની તેની ઇચ્છા ન હતી એટલે તે તેના રૂમમાં ગયો. નાઇટડ્રેસ પહેરીને પાછો ઓસરીમાં આવી, હિંડોળા પર બેઠો ભાવિના અનેક વિચારોમાં ભ્રમણ કરતા તે ખાસ્સીવાર હીંચકતો રહ્યો બીજું શું કરે ?
રાતના સાડા અગિયાર વાગે જ્યોતિના રૂમમાંથી બા બહાર આવ્યા બાને જાતાં જ દામાએ પૂછયું ઃ “હવે કેમ છે….?”
“તાવ તો ઊતરી ગયો. એને ઊંઘ પણ આવી ગઇ છે. તેની પાસે હવે બેસવું પડે તેમ નથી એટલે હું બહાર નીકળી છું. જરાય ચિંતા જેવુ નથી. પાણીની બોટલ મેં ટિપોઇ પર રાખી દીધી છે. ઊઠશે એટલે ઇચ્છા પ્રમાણે પાણી પી લેશે…” બાએ કહ્યું.
“તાવ ઊતરી ગયો તે ખૂબ સારૂં થયું. નહીંતર હવેના તાવ પણ વિચિત્ર અને ખતરનાક નીકળ્યા છે. જા મગજમાં ચડે તો પછી હોસ્પિટલમાં દાખલ પણ થયું પડે…” દામો બોલ્યો.
“મા…. મોગલ જ્યોતિની રક્ષા કરે બેટા ! આ ઘરમાં એનું કોણ ? બસ, હું અને તું, બિચારી મુંજાઇને મરી જાય. અને આપણે તો આપણી ફરજ પ્રમાણે તેનું ધ્યાન તો રાખવું જ પડે. પરંતુ હવે ચિંતા નથી જા… તું પણ તારા રૂમમાં જઇ નિરાંતે ઊંઘી જા. હવે હું પણ મારા રૂમમાં જાઉં છું, બરાબર- ”
“તમે આરામ કરો બા…, થોડીવાર હું અહીં બેઠો છું. છેલ્લે મારા રૂમમાં જઇશ તે પહેલાં જ્યોતિના રૂમમાં ડોકિયું કરી લઇશ….”
“સારૂં, તું બેસ… પણ હું તો આ ચાલી…” એમ બોલી બા તો ચાલ્યા ગયા. દામલ તો એમ જ હિંડોળા પર બેસી હીંચકતો રહ્યો. રાતનું નિરવ વાતવરણ હતું, તદ્દન એકાંત હતું. એટલે તેના મનમાં ઘોડાની ગતિએ વિચારો દોડવા લાગ્યા વિચારો પર વિચારો આવવા લાગ્યા.
હા, વિચારના પણ અનેક વિભાગ હોય છે જેવું મન હોય તેવા વિચાર આવે. કોઇને ધર્મના વિચાર આવે, કોઇને અઢળક રૂપિયા કમાવવાના વિચાર આવે, કોઇને ભક્તિના, કોઇને મિત્રના, કોઇને કુટુંબના તો વળી કોઇને રમતના પણ વિચાર આવે પરંતુ આ દામલને તો બસ માત્રને માત્ર જ્યોતિના જ વિચાર આવ્યા.
(ક્રમશઃ)