અમદાવાદમાં તાજેતરમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે રવિવારે દામનગર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જુમ્માની નમાઝ બાદ આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા. જુમ્મા મસ્જિદ ખાતેથી પ્રસ્થાન થયેલી આ મૌન રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સરદાર ચોક થઈને મોટાપીરની દરગાહ ખાતે પહોંચી હતી. અહીં શહેરભરના મુસ્લિમ સમાજે અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરો અને મ્ત્ન ડેન્ટલ કોલેજના તબીબી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ સહિતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના માટે દુઆ કરી હતી. રેલી દરમિયાન હાથમાં પ્લેકાર્ડ રાખીને મૃતકોને મૌન રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.