દામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હડકાયા શ્વાનનો ત્રાસ વધતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના પુલ ઉપર ૧૨થી વધુ શ્વાનના અડિંગા થતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકો માટે પસાર થવું જોખમી બની ગયું છે.
બે દિવસ પહેલા એક બાળકી પર હડકાયા શ્વાને હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી અને સારવાર લેવી પડી હતી. દામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે છાશવારે અડફેટે લેવાના તેમજ કરડવાના બનાવો બન્યા છે.
સ્થાનિક નાગરિકોએ તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી શ્વાનના વધતા આતંકથી રાહત મળી શકે. નાગરિકોમાં આશંકા છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો વધુ ગંભીર બનાવ સર્જાઈ શકે છે.









































