દામનગરમાં ૧૧ વિસ્તારમાં અશાંત ધારો લગાવવા અને સૌની યોજના હેઠળ તળાવમાં પાણી ઠાલવવા સહિતના મુદ્દે યુવા આર્મી ટીમે પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તેમજ પાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં દરખાસ્ત કરવા માટે માંગણી કરી હતી. યુવા આર્મી ટીમના હરેશભાઇ વાવડીયા, મહેશભાઈ વાવડીયા, મુકેશભાઈ બુધેલીયા, સંજયભાઈ નારોલા, સચિનભાઈ બોખા, જયસુખભાઈ બુધેલીયા, જયેશભાઇ નારોલા સહિતના યુવાનોએ પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દામનગર શહેરની ગ્રામ્ય સ્તરની સુવિધા પણ છીનવાઈ રહી છે. મોટા ભાગે ઇન્ચાર્જ તંત્રથી વહીવટી ચલાવાઈ રહ્યો છે. દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો વચ્ચે કાયમી રેવન્યુ કચેરીની લાંબા સમયથી માંગણી છે. ઉપરાંત તાલુકા મામલતદાર કચેરી માટે વર્ષોથી જમીન પણ સંપાદિત કરી દેવામાં આવી છે પરંતુ કામગીરી કરવામાં આવતી નથી.
કુંભનાથ તળાવને ઉંડુ ઉતારી સૌની યોજના હેઠળ પાણી ઠાલવવા અને શહેરમાં ૧૧ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે તેમણે માંગણી કરી હતી.