દામનગર રેલવે સ્ટેશન ખાતે નવું બનાવવામાં આવેલ શૌચાલય લાઇટ ફિટીંગના અભાવે હજુ શરૂ થયું નથી. શૌચાલય બન્યાને લાંબો સમય થઇ ગયો છે ત્યારે પડ્યું પડ્યું જ જર્જરિત થઇ જાય તે પહેલા આ શૌચાલય લોકોની સુવિધા માટે ખુલ્લું મુકવામાં આવે તેવું લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દામનગરની જનતા મહુવા-સુરત ટ્રેનના સ્ટોપ માટે પણ રાહ જાઇ રહી છે અને આશા સેવી રહી છે કે, જેમ લીલીયાને આ ટ્રેનનો સ્ટોપ અપાયો તેમ દામનગરને પણ આપવામાં આવે. દરમિયાનમાં રેલવેને લગતો શૌચાલયની અગવડતાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ઘણા સમયથી રેલવે સ્ટેશન ખાતે નવું શૌચાલય નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આટલો મોટો ખર્ચ કર્યા બાદ માત્ર લાઇટ ફિટીંગના વાંકે આ જાહેર સુવિધા હજુ શરૂ કરવામાં આવી નથી. ત્યારે મહિલાઓ અને બાળકોને હાલાકી પડી રહી હોય, તાત્કાલિક આ શૌચાલય શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.