અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીના કાયદા હેઠળ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર એલ.સી.બી. ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની આગેવાનીમાં ટીમે દહીથરા ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઢસા તરફથી આવતા એક ઇસુઝુ ડી-મેક્સ પીકઅપ વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૭૬૯ બોટલો મળી આવી હતી. પકડાયેલ મુદ્દામાલમાં રોયલ સ્ટેગ અને આઇકોનીક વ્હિસ્કીની બોટલો, એક મોબાઇલ ફોન અને વાહન મળી કુલ ૧૦,૫૬,૫૪૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં પચ્છેગામના વતની અને હાલ સુરત રહેતા ૫૨ વર્ષીય નરેશભાઇ નાગજીભાઇ બોદરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી અલ્પેશ ઉર્ફે કાળુને પકડવાની તજવીજ હાથ ધરી છે.





































