દામનગર પંથકના શાખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ વર્ષે સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે. લાઠી તાલુકાના શાખપુર સહિતના ગામોમાં મેઘરાજા સતત વરસી રહ્યા હોવાથી ખેડૂતોના મગફળી, કપાસ અને તલ જેવા પાકોમાં ભારે નુકસાની થઈ રહી છે. મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી જગતનો તાત ચિંતામાં છે, અને સતત વરસાદના પગલે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાખપુરના સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી સમક્ષ વહેલી તકે આ વિસ્તારના ખેડૂતોનો સર્વે કરીને તેમને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી તાકીદની માંગણી કરવામાં આવી છે.








































