લાઠીના દામનગર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં કૂરબિયા શેરી પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખાનું કેશ ડિપોઝિટ મશીન (CDM) છેલ્લા દોઢ મહિનાથી બંધ હાલતમાં હોવાથી ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય બજાર જેવો ધમધમતો વિસ્તાર હોવા છતાં મશીન બંધ હોવાથી વેપારીઓ અને સામાન્ય લોકોએ કેશ જમા કરાવવા માટે બેંકમાં લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે અથવા તો અન્ય વિસ્તારોમાં ધક્કા ખાવા પડે છે. સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ, છેલ્લા ૪૫ દિવસથી મશીન બંધ છે અને આ અંગે બેંક મેનેજરને બે-બે વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. બેંક પ્રશાસન દ્વારા માત્ર ટેકનિકલ ખરાબીનું બહાનું બતાવવામાં આવે છે, પરંતુ મશીન ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. આથી ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને સત્વરે મશીન શરૂ કરી લોકોની મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી દામનગરના લોકોએ માંગ કરી છે.








































