દામનગર શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ અગાઉ ગેસની લાઇન માટે ખોદી પુનઃ બુરી દેવામાં આવેલ ખાડા ખુલી જતા પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. શહેરમાં લગભગ ૧પ હજાર જેટલા ખાડા ખુલી જવા પામ્યા છે. હવે ચોમાસાની સિઝન શરૂ થઇ છે ત્યારે પાણી ભરાતા અકસ્માતની ઘટનાઓ બને તેવી પૂરી શક્યતા સેવાઇ રહી છે. અગાઉ ગેસ કંપની દ્વારા ખોદકામ કર્યા બાદ માટી નાખી ખાડા બુરી દેવામાં આવ્યા હતા. હાલમાં વરસાદની મોસમ શરૂ થતા માટીનું ધોવાણ થઇ જતા ખાડા ખુલી જવા પામ્યા છે. ત્યારે ચૂંટણી વખતે આંબા આંબલી બતાવનાર આગેવાનો ક્યાં ગાયબ થઇ ગયા? તેવો આક્રોશ લોકો દ્વારા ઠાલવવામાં આવી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પાલિકા તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.