સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દામનગર શહેરમાં સફાઈના પ્રશ્ને નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરની પ્રાથમિક શાળા નંબર ૧ અને ૨ ની દીવાલ પાસે આવેલા પે એન્ડ યુઝ ટોઈલેટની બાજુમાં કચરાના ઢગલા ખડકાયા છે. કચરાપેટી હોવા છતાં ગંદકી જાહેરમાં ફેલાયેલી રહેતી હોવાથી સ્થાનિક રહીશો અને શાળાના બાળકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. બીજી તરફ, ચૂંટણીને પગલે ઉમેદવારો મતદારોને રીઝવવા દોડધામ કરી રહ્યા છે. જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પાંચ વર્ષ સુધી સત્તામાં રહેલા સભ્યોએ પોતાના વોર્ડમાં કેટલી મુલાકાત લીધી અને કયા પ્રશ્નો ઉકેલ્યા? લોકશાહીમાં મતદારો હવે પૂર્વ સત્તાધીશો પાસે કામનો રિપોર્ટ માંગી રહ્યા છે. ગંદકીના પ્રશ્ન ચીફ ઓફિસર કે વહીવટદાર ક્યારે જાગશે અને જવાબદારી સ્વીકારશે તેવો પ્રશ્ન પ્રજા પૂછી રહી છે.