દામનગરમા આશરે દોઢ સદી જુના રેલવે સ્ટેશનમાં હાલ નવિનીકરણનુ કામ ચાલી રહ્યું છે અને આરસીસીનુ બનેલુ રેલવે પ્લેટફોર્મ લોકાર્પણ પહેલા જ તુટવા લાગ્યુ હોય છેક ઉપર સુધી રજૂઆત કરાઇ છે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા અહી ૮ કરોડના ખર્ચે કાયાપલટ કરવાનુ કામ સોંપાયુ છે. પ્લેટફોર્મ સહિતના આરસીસીના કામમા ઉભા ફાડીયા પડવા માંડયા છે. નબળી દિવાલોને માત્ર રંગરોગાન કરી શણગાર કરી દેવાયો છે. ગાબડા અને વાટા કરવાનુ કામ યોગ્ય રીતે કરવામા આવ્યું નથી. પાલિકા પ્રમુખ ગોબરભાઇ નારોલા સહિતના આગેવાનોએ આજે રેલવે સ્ટેશનની મુલાકાત લઇ આ ગોલમાલ અંગે આક્રોશ વ્યકત કર્યો હતો. તેમના દ્વારા આ અંગે સાંસદ, ધારાસભ્ય અને રેલવેના ડીઆરએમનું ધ્યાન દોરવામા આવ્યુ છે અને આટલુ મોટું કામ લોકાર્પણ પહેલા તુટવા લાગ્યુ હોય યોગ્ય પરીક્ષણ થવુ જોઇએ અને ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ જ બીલના ચુકવણા થવા જોઇએ. તેવી રજૂઆત કરી હતી.