દામનગર શહેરમાં અંદાજે રૂ. ૯૦ લાખનાં ખર્ચે નવું એસ. ટી બસ સ્ટેન્ડ તો બનાવ્યું છે, પરંતુ લાંબા રૂટની બસ બંધ કરી દેવાઈ છે. ધારીથી સવારે સાડા સાત વાગે ઉપડતી ધારી-ભાવનગર વાયા લાઠી, ભૂરખીયા, દામનગર, ધ્રુફણીયા, મોટા-નાના ઉમરડા, લીમડા લોકલ બસને છેલ્લાં ચાર મહિનાથી કોઈપણ કારણ વગર બંધ કરાંતા કાયમી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આવા મુસાફરોને બે-ત્રણ જગ્યાએ બદલીને આગળ જવું પડે છે જેથી આર્થિક નુકસાન અને સમયનો વ્યય થાય છે. આ ઉપરાંત ગોંડલથી ભૂરખીયા (હનુમાનજી મંદિર) બસને માત્ર છ કિ.મી. નજીક આવેલ દામનગર સુધી લંબાવવામાં આવે એવી મુસાફરોની માગણી છે. લોકોની ફરિયાદ છે કે, એસ. ટી.ના અભાવે દામનગરના મુસાફરોને ના છુટકે ખાનગી વાહનોમાં જોખમી પ્રવાસ કરવો પડે છે અને
એસ. ટી. તંત્રને અણઘડ વહીવટના કારણે નુકસાન થઈ રહ્યું છે. એસ.ટી.ના અધિકારીઓ આ બંને બસ માટે પોતાનાં અધિકારનો ઉપયોગ કરી વાજબી માગણી પૂર્ણ કરે.અધિકારીઓએ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ માગણી પુરી કરવી જોઈએ.