દામનગરમાં બંધ કરાયેલ મહત્વની લાંબા રૂટની એસ. ટી. બસ શરૂ કરવા પ્રબળ માગણી થઇ રહી છે. ઢસા ગામ ચોકડી અને લાઠીથી પસાર થતી જૂનાગઢ-વડોદરા-અમરેલી-ભાવનગર-અમદાવાદ રૂટની બસોને દામનગરથી ચલાવાય તો વધુ આવક થઈ શકે છે. દામનગર શહેર અને નજીકનાં ૨૫થી વધુ ગામની ૭૦ હજારની વસ્તીના લોકોને દામનગર શહેરમાં બનેલ આધુનિક બસ સ્ટેન્ડનો લાભ મળતો થયો છે. પરંતુ આ વિસ્તારના લોકોને અગાઉ સવારની અમરેલી-પાલીતાણા, સવારની (સાત વાગ્યાની) ધારી-ભાવનગર, બગસરા-ભાવનગર, ગારિયાધાર- સુરેન્દ્રનગર, બાબરા-કુતિયાણા, સાંજની અમરેલી-ભાવનગર, રાતની સાવરકુંડલા-અમરેલી-કૃષ્ણનગર, સહિતની લાંબા રૂટની બસનો લાભ મળતો હતો અને તંત્રને પુરતા પ્રમાણમાં પેસેન્જરોની સાથે આવક મળતી હતી, પરંતુ કોઈપણ કારણ વગર આ રૂટ બંધ કરાતા પરેશાની ભોગવવી પડી રહી છે. લાઠી અને ઢસા ગામ ચોકડીથી પસાર થતી લાંબા રૂટની બસોને દામનગરથી ચલાવાની માંગ છે તે સંતોષાતી નથી.