દામનગર વિસ્તારમાં નજીવી બાબત અને બોલચાલના વ્યવહારને લઈને પડોશીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થતાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક પુરુષને શારીરિક ઇજા પહોંચતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘુઘાભાઇ જોધાભાઇ ભુવા (ઉ.વ.૫૦)એ તખુબેન ઘનાભાઇ મેર, ઘનાભાઇ સારાભાઇ મેર, અરવિંદભાઇ ઘનાભાઇ મેર તથા કરણભાઇ વિહાભાઇ મેર સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગતો મુજબ, તેઓ કીડીયારુ પુરી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમના નાના ભાઈના પત્ની બેનાબેન અને પડોશમાં રહેતા તખુબેન મેર વાતચીત કરી રહ્યા હતા. તેમને ઘનાભાઈ સારાભાઈ મેર સાથે બોલાવવાનો કોઈ વ્યવહાર ન હોવાથી, તેમણે પોતાના ભાઈના પત્ની બેનાબેનને તેમની સાથે વાતચીત કરવાની ના પાડી હતી. જેથી ઘનાભાઈ મેરને સારું ન લાગતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળાગાળી ચાલતી હતી તે દરમિયાન અન્ય આરોપીઓ પણ ત્યાં આવી જતાં, તેઓએ ભેગા મળીને તેમની સાથે બોલાચાલી કરી હતી. ઉપરાંત શરીરે માર માર્યો હતો અને તેમને મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.









































