બેંગલુરુ ખાતે અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન દામનગર પરત ફરેલા ત્રણ યુવાનો મેહુલ પરષોત્તમભાઈ ભાસ્કર, જીજ્ઞેશ ગુલાબભાઈ ચાવડા અને રણછોડ છભાડનું દામનગરના શહેરીજનો દ્વારા ભવ્ય સામૈયા સાથે અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય યુવાનોએ દેશની સુરક્ષા માટે લશ્કરી તાલીમ પૂર્ણ કરતા સમગ્ર શહેરમાં ગૌરવની લાગણી છવાઈ હતી. શહેરભરના રાજમાર્ગો ઉપર ત્રિરંગા સાથે યુવાનોની અશ્વો પર પરેડ યોજાઈ હતી. દેશસેવા માટે સમર્પિત આ યુવાનોને સત્કારવા માટે શહેરીજનો અદમ્ય ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા. શહેરના આંબેડકર ચોકથી સામૈયાનું પ્રસ્થાન થયું હતું, જે સરદાર ચોક, ભુરખીયા રોડ ચોકડી, નગરપાલિકા સામે, અજમેરા શોપિંગ સેન્ટર સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તાની બંને તરફ કતારો સાથે અગ્નિવીરોને સત્કારવા લોકો જોડાયા હતા.