દામનગર ખાતે જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતના સૌજન્યથી પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ભુરખીયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓના વરદહસ્તે ગાયત્રી મંદિર પરિસર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ, લેઉવા પટેલ પ્રગતિ મંડળ, અનસૂયા ટ્રસ્ટ અને સિનિયર સિટીઝન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચાલતા વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રના લાભાર્થીઓને ઘેર ઘેર પક્ષીઓના પીવાના પાણીના કુંડા પહોંચાડવામાં આવ્યા હતા. સુરતની આ સંસ્થાની જીવદયા પ્રત્યેની ભાવનાને ઉપસ્થિત આગેવાનોએ દેવતુલ્ય ગણાવી હતી. ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ દુષ્યંતભાઈ પારેખે દામનગરની સેવાભાવી સંસ્થાઓ પ્રત્યે સદ્‌ભાવના વ્યક્ત કરી હતી. ટ્રસ્ટીઓએ સેવાના કાર્યમાં જોડાયેલા તમામ સ્વયંસેવકોને પ્રેરણા આપતા સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે વિવિધ ટ્રસ્ટના આગેવાનો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.