દામનગરમાં યુવા આર્મી ટીમ દ્વારા ધારાસભ્ય જનકભાઇ તળાવીયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવાયું હતું કે શહેરના વિવિધ જળાશયો સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરીને ભરવામાં આવે. ગાયકવાડ દ્વારા બંધાવેલ કુંભનાથ તળાવ, જય ભુરખીયા જળ સરોવર નંબર-૧ અને જય ભુરખીયા સરોવર નંબર ૨, ઠાંસા રોડ ચેકડેમ સહિતના દામનગર પંથકના તળાવો ઊંડા ઉતારી સૌની યોજના હેઠળ સમાવેશ કરીને ભરવામાં આવે તો ખેડૂતોને સિંચાઇ માટે ફાયદો થઇ શકે. જિલ્લા પંચાયતની નાની સિંચાઇ હેઠળના તળાવ, ચેકડેમોની દાયકાઓથી કોઈ દરકાર લેવાયેલ નથી. રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિ નોંધાયેલ છે ત્યારે દામનગર પંથકમાં નહિવત વરસાદના કારણે તળાવો ખાલીખમ જોવા મળી રહ્યાં છે.