દામનગરમાં આંગણવાડીના ઓરડા અને વેપારીઓ માટે ટોઈલેટ માટે જગ્યા ફાળવવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. શહેરીજનો રોષપૂર્વક જણાવે છે કે આઝાદીના અમૃતકાળમાં દામનગર નગરપાલિકાને ગૌચરની જમીનમાં તથા નદી, નાળાના પટમાં બ્લોક નાખવા જગ્યા મળી જાય છે.પરંતુ વિવિધ વિસ્તારોમાં આંગણવાડીના નાના ઓરડા બનાવવા અને વેપારીઓ માટે સુલભ શૌચાલય બનાવવાની જગ્યા મળતી નથી. પ્રાથમિક સુવિધાઓ વગર શહેરીજનો વલખા મારે છે, મૂળભુત સમસ્યાઓ માટે તરસે છે, પરંતુ પાલિકાને પેવર બ્લોક નાખવા સિવાય બીજી કોઈ વસ્તુમાં વિકાસ દેખાતો ન હોય તેમ વર્તી રહી છે. આ બાબતે યોગ્ય કરવામાં આવે તો ખરો વિકાસ થાય તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.