દામનગર શહેરમાં એક તરફ વિકાસની વાતો અને લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાના કામોના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ જૂની સરકારી મિલકતોની હાલત અત્યંત કફોડી બની રહી છે. શહેરમાં આવેલી ત્રણ મુખ્ય સરકારી ઈમારતો હાલ જર્જરિત અવસ્થામાં છે. આ ગંભીર બાબતે અગાઉ અખબારોમાં અહેવાલો પ્રસિધ્ધ થઈ ચૂક્યા હોવા છતાં, સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જનતાના સેવકો દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.અમરેલી માર્ગ અને મકાન પેટા વિભાગ-૨ હસ્તકની આ ત્રણેય ઈમારતોમાંથી કિંમતી વસ્તુઓ ગાયબ થઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. નગરપાલિકાની હદમાં આવેલી આ ઈમારતો પ્રત્યે સરકારી તંત્રની ઉદાસીનતા ચર્ચાનો વિષય બની છે. આ ઈમારતોની આસપાસથી સતત લોકોની અવરજવર રહેતી હોય છે. વળી, ત્યાં નગરપાલિકાની કચરાપેટીઓ મુકેલી હોવાથી સફાઈ કામદારો કચરો ઠાલવવા આવે છે અને તેઓની હાજરી પણ આ જર્જરીત ઈમારત નીચે જ લખાતી હોવાથી તેમના જીવનું પૂરેપૂરું જોખમ રહેલું છે.સ્થાનિક રહીશોની ઉગ્ર લાગણી છે કે સરકારી તંત્રએ આ બાબતે તાકીદે ધ્યાન આપીને આ જોખમી ઈમારતોનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્ન થઈ રહ્યો છે