દામનગરમાં આવેલી એસબીઆઈ બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં પુરુષે ૨૫ લાખથી વધુની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે બેંક મેનેજર દેવેન્દ્રભાઈ રોહીદાસ પાટીલ (ઉ.વ.૩૯)એ મૂળ બિહારના દાનાપુર કૈન્ટના અને હાલ દામનગર પટેલ વાડી પાસે રહેતા રાજકુમાર વાસુદેવ શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી એસબીઆઈ બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. આરોપીએ દામનગર એસ.બી.આઇ શાખામાંથી તા.૧૮/૦૫/૨૦૨૨ થી તા.૧૯/૦૫/૨૦૨૨ દરમિયાન કોઇપણ સમયે સી.ડી.એમ.મશીનના રોકડ રૂ.૨,૫૮,૭૦૦, બેંકના કેશ એકાઉન્ટમાંથી રૂપિયા ૨,૫૦,૦૦૦ શોર્ટ કેસ તરીકે તથા કેશ પોઇન્ટ ઇન્ટરમીડીએટ એકાઉન્ટમાંથી રૂ.૨૧,૬૫,૦૦૦ સી.ડી.એમ. મશીનમાં જમા કરવાના હેતુથી મેળવી લઇ જમા કરાવ્યા નહોતા. આ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે લઇ લીધા હતા અને તેમાંથી રૂ.૧,૫૦,૦૦૦ પરત આપી બાકીના રૂ.૨૫,૨૩,૭૦૦ ની ઉચાપત કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એચ.એચ.સેગલીયા વધુ તપાસ કરી રહ્યા છે.