દામનગર શહેરના હાર્દસમા વિસ્તાર ગણાતા જુના અવેડા ચોક એટલે કે સરદાર સર્કલના ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. આ વિસ્તારમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી ટ્રાફિકનું ભારણ રહેતું હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.વિગત મુજબ, સરદાર સર્કલથી છભાડીયા રોડ, નવા બસ સ્ટેન્ડ તરફ, વૈજનાથ મંદિર તરફ અને ગામમાં પ્રવેશવાના માર્ગો પર વ્યાપારિક સંસ્થાઓ, દુકાનો, શાકભાજી માર્કેટ, શાળાઓ અને ધાર્મિક સ્થાનો આવેલા છે. જેના કારણે અહીં વાહનો અને લોકોની સતત અવરજવર રહે છે. ભવિષ્યમાં આ વિસ્તારમાં કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે સર્કલની ચારે બાજુ જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર બનાવવાની ખાસ જરૂર છે. આ વિષયને ધ્યાનમાં લઈને સ્થાનિક સત્તાધીશો આ બાબતની નોંધ લે અને સત્વરે પ્રશ્ન હલ કરે તેવી નાગરિકોમાં લાગણી પ્રવર્તી રહી છે.