રાજુલાના દાતરડી ગામના પુલ પાસે હીરાકામ કરતાં યુવક પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે કિશોરભાઇ કરશનભાઇ સાંખટ (ઉ.વ.૩૬)એ લાલજીભાઇ બારૈયા, કરશનભાઇ બારૈયા, લવજીભાઇ બારૈયા, વાઘજીભાઇ બારૈયા, સંજયભાઇ બારૈયા, રજનીભાઇ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, દીપકભાઈ અને સંજયભાઈ બારૈયા વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત, બે વર્ષ પહેલાં દારૂના કેસને લઈને પણ બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ અદાવતને કારણે સંજય અને તેના સાથીઓએ ભેગા થઈ એક ટોળું બનાવ્યું હતું. આ ટોળાએ ધારિયા, લોખંડની કુહાડી અને લોખંડના પાઈપ જેવા હથિયારો લઈને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીના માથા, કપાળ અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઉપરાંત શરીરે મુંઢ ઇજાઓ કરી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. જે બાદ વાઘજીભાઇ ભગવાનભાઇ બારૈયા (ઉ.વ.૪૮)એ દિપકભાઇ ભગવાનભાઇ બાંભણીયા, હિરેનભાઇ ભગવાનભાઇ બાંભણીયા, ગોપાલભાઇ કનુભાઇ બાંભણીયા, કિશોરભાઇ કરશનભાઇ સાંખટ, આણંદભાઇ ગાંડાભાઇ બાંભણીયા, બચુભાઇ ગાંડાભાઇ બાંભણીયા તથા ભગવાનભાઇ લાખાભાઇ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના સગા ગંભીરભાઇ કાનાભાઇ બાંભણીયા વિરૂધ્ધ ત્રણ મહિના પહેલા ફરિયાદ થઈ હતી. જે બાબતે આરોપીઓ સમાધાન કરવાનું કહેતા હતા અને તેઓ સમાધાન કરવાની ના પાડતા હતા. જેથી આરોપીઓએ આ અંગેનું મનદુઃખ રાખી એકસંપ કરી ગે.કા. મંડળી બનાવી લોખંડના પાઇપ તથા લાકડીઓ વડે તેમને તથા સાહેદોને માર મારી માથાના ભાગે ટાંકા આવે તેવી ઇજા કરી હતી. તેમજ અશ્લીલ ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.








































