દાડમની ખેતીમાં જમીન વ્યવસ્થા થી માંડી માર્કેટિંગ વ્યવસ્થા સુધીની તમામ પક્રિયા વૈજ્ઞાનિક સૂઝ-સમજ પ્રમાણે કરવામાં આવે તો જ ખેતી આર્થિક રીતે પોષણક્ષમ બની જાય છે. અત્રે આ મુદ્દાની વિશેષ છણાવટ કરેલ છે.
હવામાનઃ- દાડમ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટીબંધનો પાક છે. જેથી ઠંડો શિયાળો અને ગરમ સુકો ઉનાળો પાકને વધુ અનુકૂળ આવે છે. દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારને બાદ કરતા દાડમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સહેલાઈથી થઈ શકે છે. ભેજવાળા અને ભારે વરસાદવાળા વાતાવરણમાં રોગ-જીવાતનો ઉપદ્રવ વધારે રહે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં આ પાક વ્યાપારિક ધોરણે કરવા ભલામણ નથી.
જમીનઃ- દાડમનો પાક આમ તો સામાન્ય હલકીથી થોડી છીછરી જમીનમાં થઈ શકે. પરંતુ વિશેષ સારું અને ગુણવતાવાળું ઉત્પાદન લેવા મધ્યમ કાળી અને ગોરાડું જમીન વધારે માફક આવે છે. આ પાક સાધારણ ખારાશ પણ સહન કરે છે. દાડમ ભારે કાળી ચીકણી જમીનમાં થઈ શકતો નથી કારણકે આવી જમીનો જલ્દી ભેજ મુકતી નથી, જેથી છોડને આરામ ન મળતા ફૂલ ફળ ઓછા લાગે છે.
ગુજરાતમાં વવાતી જાતો ઃ-
ગણેશ ઃ આ મહારાષ્ટ્રની પ્રખ્યાત જાત છે. ફળો મોટા (૨૨૫-૨૫૦ ગ્રામ), છાલનો રંગ પીળો/ગુલાબી અને આકર્ષક, દાણા પોચા, રસદાર અને ગુલાબી રંગના, કુલ ધન દ્રાવ્ય ૧૪.૬ ટકા છે. આ જાતના ફળ મોટા અને વજનદાર થાય છે. ૧.૫ કિલો વજનના દાડમ મહારાષ્ટ્રના ખેડૂતો પકવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ કિલો કરતા વધુ વજન માન્ય છે. આ જાત વધારે ગરમી સહન ન કરી શકતી હોવાથી અંદર દાણા કાળા પડી સડી જાય છે. આ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો મુદો છે. આમ જાત સારી છે. નિકાસ માટે યોગ્ય છે પરંતુ ગુજરાતમાં નવેસરથી ચકાસણી કરવી જરૂરી છે. ગણેશ દાડમનું વાવેતર ગુજરાતમાં સારા પ્રમાણમાં થયું હતું પરંતુ ગરમીના કારણે અંદર દાણા કળા પડી જતા વાવેતર બંધ થઈ ગયેલ છે.
ભગવા: આ પણ મહારાષ્ટ્રમાં સંશોધન થયેલ જાત છે. ફળો સાધારણ મોટા, છાલ તથા દાણાનો રંગ ભગવો છે. છાલ જાડી તથા દાણા ચાવવામાં થોડા કડક છે. ગુજરાતમાં આ જાતનું વાવેતર વધતું જાય છે.
રોપણી અને અંતર: જમીનને ખેડી કર્બીને સમતલ કરવી ત્યારબાદ ૫ મી., ૫ મી. અથવા ૪ મી., ૬ મી. ના અંતરે અથવા ધાનીસ્તા ખેતી પધ્ધતિમાં ( મહાત્મા ફૂલે
કૃષિ વિદ્યાપીઠ, રહુરી ) વાવેતર માટે ૪ મી., ૨ મી. માં વધારે ઉત્પાદન મળેલ છે. જેમાં હેક્ટરે ૧૨૫૦ છોડ વાવે છે. જેનાથી અન્ય અંતર કરતા વધારે ઉત્પાદન મળેલ છે. ઉનાળા દરમિયાન ચોક્કસ અંતરે ૪૫ સે.મી., ૪૫ સે.મી., ૪૫ સે.મી. ના ખાડા ખોદવા જે ૧૫ દિવસ તપાવ્યા બાદ ઉપલા થરની સારી માટી સાથે ખાડા દીઠ ૧૦-૧૫ કિલો છાણીયું + ૨ કિલો સેન્દ્રીય ખાતર + ૨૦૦ ગ્રામ ડી.એ.પી. + ૨૦૦ ગ્રામ પોટાશ ભેળવી ખાડા પૂરી પાણી આપી દેવું ત્યારબાદ જૂન-જુલાઈમાં દરેક ખાડા દીઠ એક સારી કલમની રોપણી કરવી.
કેળવણી અને છટણી ઃ દાડમના છોડ પર થડના નીચેના ભાગમાં ઘણી ડાળીઓ ફૂટે છે. આ પૈકી ચાર થી પાંચ ડાળીઓ મુખ્ય થડ તરીકે વિકસવા દેવી અને બાકીની ડાળીઓ કાપી નાખવી જેથી મુખ્ય થડનો વિકાસ સારો થાય છે. મૂળમાંથી નીકળતા પીળા વખતો વખત કાઢી નાખવા કારણ કે આ પીળા ફળ બેસવામાં તથા વિકાસમાં નડતરરૂપ છે. ત્યારબાદ દર વર્ષે માવજત વખતે સુકી અને નડતરરૂપ પાળીઓ કાપી માવજત કરવી આ ઉપરાંત ટોચની કુમળી ડાળીઓ બહાર ટ્રીટમેન્ટ વખતે કાપવાથી ફૂલો-ફળો વધારે બેસે છે જેથી સાધારણ વાર્ષિક પૃનીંગ ઝાડના આરામના સમયમાં એટલે સપ્ટેમ્બર-ઓકટોબર બહાર માવજત પહેલા કરવું. આમાં ટોચની કુમળી ડાળીઓ ૧૦-૧૫ સે.મી. લંબાઈમાં કાપવી, વિશેષ માહિતી માટે અલગ લેખમાં વાચો. ખાતરો ઃ દાડમના પાકમાં ઝાડની ઉંમર મુજબ નીચેના કોઠામાં જણાવ્યા પ્રમાણે ખાતરો આપવા. છાણીયા ખાતરનો બધો જથ્થો તથા રસાયણિક ખાતરનો અડધો જથ્થો જૂન માસમાં અને બાકીનો અડધો જથ્થો સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં આપવો. બહાર પ્રમાણે ખાતર આપવાના સમયમાં ફેરફાર કરવો પડે છે. જૈવિક ખાતરો જેવા કે એઝોટોબેકટર, ફોસ્ફોબેક્ટેરિયા, પોટાશ બેક્ટરિયા વર્મીેંપોસ્ટ, ખોળ અને અન્ય સેંન્દ્રીય ખાતરો વાપરવા તથા લીલો પડવાશ કરવો. જૈવિક ખાતરોમાં ૧૦૦ લિટર પાણીમાં એઝોટોબેક્ટર ૧ લિટર + પોટાશ બેક્ટરિયા ૧ લિટર + સુપર પોટેશિયમ હુમિક ૧ લિટર + સીવીડ એક્સ્ટ્રેક્ટ ૧ લિટર મેળવી વર્ષે બે વખત ૧-૧ લિટર પાવાથી ૪૦ ટકા રાસાયણિક ખાતરનો જથ્થો ઘટાડી શકાય છે. જેથી આર્થિક ફાયદા સાથે જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદકતા જળવાય રહેશે. આ ઉપરાંત જમીનનું બંધારણ અને પોત સુધરશે.
પિયત ઃ પાણી દાડમના ઉત્પાદન અને ગુણવત્તાને અસર કરતું અગત્યનું પરિબળ છે. ફળ તૈયાર થવાના સમયે ઝાડને પાણીની ખેંચ પડતા ફળની છાલ ફાટી જાય છે. ગુજરાતમાં ગૌણ તત્વ બોરોનની ખામીના લીધે પણ આવું બનતું હોય છે. મૃગ બહારમાં આ પ્રક્રિયા વધારે પ્રમાણમાં જોવા મળે છે. જમીનમાં ભેજ અને હવામાનમાં થતા ફેરફારોને કારણે આમ બનતું હોય છે. આથી શિયાળામાં ૧૦ થી ૧૨ દિવસના અંતરે, ઉનાળામાં ૭ થી ૮ દિવસના અંતરે અને ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પિયત આપવું. ગુજરાતમાં હસ્ત બહારનો ફાલ લેવાતો હોવાથી ચોમાસું પૂર્ણ થયા બાદ ઓક્ટોબર માસથી પિયત આપવું. વખતો વખત ખામણામાંથી નિંદામણ દુર કરવું તેમજ ટ્રેકટરથી ખેડ કરવી જેથી વાડી નિંદણ મુક્ત રહે અને જમીન પોચી બને. ડ્રીપ ઇરીગેશન હોય તો છોડને એકાંતરે શિયાળામાં ૧૦ લિટર અને ઉનાળામાં ૧૫ લિટર પાણી આપવું. પ્રથમ વર્ષના જથ્થા જેટલો જથ્થો પાંચ વર્ષ વધારતા જતા શિયાળામાં ૫૦ લિટર અને ઉનાળામાં ૭૫ લિટર પાણી થશે. ચોમાસા દરમિયાન પાણીની ખાસ જરૂર પડશે નહી.
મલ્ચીંગ: દાડમના પાકમાં મલ્ચીંગ વિશેષ ફાયદાકારક માલૂમ પડેલ છે. જેમકે પાણીની નિયમિતતા જળવાય રહે છે તેમજ ૬૦ ટકા પાણીની બચત થાય છે. જેથી વિકાસ અને વૃદ્ધિ સારી થાય છે. ઉપરાંત નિંદણ ઓછુ થય છે, જમીન પોચી, ભરભરી અને નીતાર શક્તિવાળી થતા સુક્ષ્મ જીવાણુઓની પક્રિયા વધતા છોડ પોષક તત્વો સહેલાઈથી ઉપાડી શકતા ગુણવતાવાળું વધારે ઉત્પાદન મળે છે.
નિંદામણ અને આંતર ખેડ: દાડમનો પાક સતત નિંદામણમુક્ત રાખવો. હાથથી સાંતી ચલાવી અથવા નિંદણનાશક દવામાં પેરાક્વેટ ૧૦૦ લિટર પાણીમાં ૫૦૦ મી.લી. પ્રમાણે દાડમના છોડને બચાવી છંટકાવ કરવામાં આવે તો તમામ પ્રકારનું નિંદણ નાશ પામશે. જયારે દાડમના ઉગતા નિંદણને નાશ કરવા પીન્ડીમીથીલીનનો ઉપયોગ કરવો. દાડમના ઉભા પાકમાં આડી-ઉભી ખેડ કરવી તથા ખામણામાં વર્ષમાં ૨-૩ વખત ગોડ કરવો.
બહારની માવજત ( ચોક્કસ સમયે જ ફૂલો લાવો ) ઃ દાડમના પાકને કોઈ ચોક્કસ ઋતુમાં ફૂલ-ફળ લઈ આવવા બહાર ટ્રીટમેન્ટ આપવામાં ન આવે તો બારે માસ વધતા ઓછા પ્રમાણમાં ફૂલ-ફળ મળ્યા કરે છે. દાડમના પાકમાં આંબે બહાર, મૃગ બહાર અને હસ્ત બહારમાં ફૂલ-ફળ આવે છે. આંબે બહારના ફૂલ ડિસેમ્બર-જાન્યુઆરી આવે છે. ફળો અપ્રિલ-મે માસમાં પાકે. આ સમય દરમિયાન કેરી બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. તેમજ ઉનાળામાં સખત તાપથી ફળ ઉપર કાળા ડાઘા પડતા ફળની ગુણવતા ઉપર અસર થાય છે. જેથી બજાર ભાવ ઓછો મળે છે.
મૃગ બહારના ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં ફળો તૈયાર થાય છે. પરંતુ ફળનો વિકાસ ચોમાસા દરમિયાન થતો હોવાથી જીવાતોનો ઉપદ્રવ વધારે રહે છે અને ફળમાં કાળા ડાઘા પડે છે. આ કારણોસર ગુજરાતમાં આંબે બહાર અને મૃગ બહારનો ફાલ લેવાનું હિતાવહ નથી. હસ્ત બહારના ફૂલ ઓક્ટોમ્બર-નવેમ્બરમાં આવે છે. અને ફળ ઉનાળામાં તૈયાર થાય છે. આ સમયે બજારમાં બીજા ફળો ન હોવાથી ભાવ વધારે મળે છે તથા ફળોનો વિકાસ શિયાળામાં ઠંડા અને સુકા હવામાનમાં થતો હોવાથી રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. આ કારણોને લીધે ગુજરાતમાં હસ્ત બહારનો ફાલ લેવાનું પસંદ કરવામાં આવે છે. હસ્ત બહારનો ફાલ લેવા માટે ચોમાસાનો વરસાદ બંધ થયા બાદ પાણી આપવાનું બંધ રાખવું. જમીન ખેડી, ગોડ કરી, સુકી ડાળીઓ કાપવી તથા પીલા કાપવા. લગભગ એકાદ માસના આરામ બાદ આપવા જણાવેલ ખાતરો આપી બે હળવા પિયત આપવા. ત્યાર બાદ સારા પ્રમાણમાં ફૂલ આવશે જેમાંથી ઉનાળામાં ફળ મળશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં જ વરસાદ ચાલુ રહે અને હસ્ત બહાર લેવાનું શક્ય ન બને ત્યારે આંબે બહાર લેવામાં આવે છે. પાણીના તંગીવાળા ભાવનગર વિસ્તારમાં બધા ખેડૂતો મૃગ બહાર લેતા હોય છે.
ફળ ઉતારવા: ફૂલ આવ્યા બાદ ૪ થી ૫ મહિને ફળ ઉતારવા યોગ્ય બને છે. ફળની છાલ થોડી પીળાશ પડતી થાય, ફળો પૂર્ણ વિકસિત બને અને આંગળી વડે ટકોરો મારવાથી ફળ ધાતુ જેવા રણકાર આપે ત્યારે ઉતારવા. કલમથી ઉછરેલ ઝાડ ઉપર બીજા વર્ષથી ફળ ઉતારવાની શરુઆત થાય છે. ફળો હાથથી અથવા સીકેતારથી ઉતારી તુરંત છાયડામાં લઈ જવા. ફળો ઉપરની ધૂળ સાફ કરવી તથા કદ, વજન, પરિપક્વતા રોગ/જીવાતથી નુકસાન વાળા, વગેરે મુદાઓ ધ્યાને લઈ વર્ગીકરણ કરવું. ઉત્પાદન ઃ ફળો આમ તો બીજા વર્ષથી મળવા લાગે છે. પરંતુ છોડ પાંચ વર્ષનો પુખ્ત થતા ઝાડ દીઠ ૧૦૦ થી ૧૫૦ ફળ ઉતરે છે. હેક્ટરે ૮-૧૦ ટન ફળો મળે છે. જયારે વધારે ફળો બેસે તો ઝાડ દીઠ ૧૦૦ ફળો રાખી બાકીના તોડી નાખવા જેથી એકાંતરે ફળો મોટા (૨૦૦-૨૫૦ ગ્રામ ) થતા ઉત્પાદન વધારે અને ગુણવતાવાળું મળે છે. સારી માવજતમાં દાડમની ઉત્પાદન ક્ષમતા ૩૦ ટન/હે. છે.