મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકના કેસના મુખ્ય સાક્ષી ખાલિદ ઉસ્માન શેખે ઈડીની સામે મોટા ખુલાસા કર્યા છે. સાક્ષી ખાલિદે ઈડી સમક્ષ કબૂલાત કરી હતી કે ઈકબાલ કાસકરે તેને કહ્યું હતું કે તેનો મોટો ભાઈ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે. એટલું જ નહીં, દાઉદ દર મહિને ૧૦ લાખ રૂપિયા તેના ભાઈ-બહેનોને મોકલે છે. ખાલિદે જણાવ્યું કે કાસકરે તેને પૈસા પણ બતાવ્યા હતા અને કહ્યું હતું કે આ પૈસા દાઉદ ભાઈ પાસેથી મળ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર ખાલિદ ઉસ્માન શેખના ભાઈ કાસકરનો બાળપણનો મિત્ર હતો. તે દાઉદની બહેન હસીના પારકરના ડ્રાઈવર સલીમ પટેલને પણ ઓળખતો હતો. ખાલિદે ઈડીને જણાવ્યું હતું કે એકવાર સલીમે તેને કહ્યું હતું કે તે દાઉદના નામનો ઉપયોગ કરીને હસીનાની સાથે પૈસાની ઉચાપત કરી રહ્યો છે અને સંપત્તિ પર અતિક્રમણ કરી રહ્યો છે.
ઈડીનું કહેવું છે કે હસીનાની સાથે સલીમ પટેલે મુંબઈના કુર્લા વિસ્તારમાં ગોવાલા કમ્પાઉન્ડનો પણ કબજા મેળવ્યો હતો, જે બાદમાં તેઓએ નવાબ મલિકના પરિવારને વેચી દીધો હતો.મની લોન્ડરિંગ અને ખંડણીના કેસમાં ધરપકડ કરાયેલા કાસકરે જણાવ્યું હતું કે દાઉદની પત્નીનું નામ મહેજબીન છે અને તેને પાંચ બાળકો છે, જેમાંથી મોઈન નામના પુત્રના પણ લગ્ન છે અને તેની તમામ પુત્રીઓ પરણિત છે. આ પહેલા હસીના પારકરના પુત્ર અલીશાહે પણ ઈડીની સામે ઘણા મહત્વના ખુલાસા કર્યા હતા.