ગુજરાતમાં શરાબીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરમિટ લઈને દારુ પીનારાની સંખ્યામાં ધીરેધીરે વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલમાં આ વર્ષે ૪ મહિનાની અંદર જ નવી પરમિટ માટે ૨૨૧ અરજીઓ આવી છે.

અમદાવાદમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં જ સાલ ૨૦૨૩થી એપ્રિલ ૨૦૨૫ સુધી દારુની પરમિટની નવી ૧૭૫૯ જેટલી અરજીઓ આવી ચૂકી છે. ઉપરાંત રિન્યુ માટે ૭૨૫૫ અરજીઓ આવી છે. ત્યારે જાણ્યા મુજબ નવી અરજી માટે ૨૦ હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે. તો નવી પરમિટ માટેની અરજીથી સિવિલમાં જ રોગી કલ્યાણ સમિતિને આશરે ૩.૫૧ કરોડ જેટલી આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. સિવિલની અંદર આ પરમિટની અરજીઓ નશાકારી કચેરીમાં મોકલાય છે. જ્યાંથી આ અરજીઓની રિજેક્શનનું પ્રમાણ ૧૦ ટકા સરેરાશ રહેતું હોય છે.

જે લોકો માનસિક તાણમાં જીવન જીવતા હોય છે. હાઈપર ટેન્શન, અનિદ્રા જેવી સમસ્યાનો સામનો કરતા હોય તેવી પરિસ્થિતિમાં લોકોને હેલ્થ પરમિટ આપવામાં આવે છે. ત્યારે આ પરમિટ આપતા પહેલા ખરેખર અરજીકર્તાને હેલ્થ પરમિટની જરુર છે? તેની ઉમર આવકનો દાખલો જેવા મુદ્દાઓ પર ખૂબ જ બારીકાઈથી ચકાસણી બાદ જ હેલ્થ પરમિટ આપવી કે નહી એ અંગે નક્કી કરવામાં આવે છે. જો કોઈ અરજી શંકાસ્પદ લાગે તો તેને રદ કરી દેવામાં આવતી હોય છે.