બિહારના નશાબંધી, આબકારી અને નોંધણી વિભાગના મંત્રી રત્નેશ સદાએ દલિત સમુદાય માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સીતામઢીમાં એક કાર્યક્રમ દરમિયાન રત્નેશ સદાએ કહ્યું કે દલિત સમુદાય (એસસી એસટી)ના લોકો પૈસાના લોભ માટે દારૂની ગેરકાયદેસર ડિલિવરી કરે છે. તેમણે કહ્યું છે કે એસસી-એસટી કેટેગરીના લોકો ગેરકાયદે દારૂના ધંધા માટે કુખ્યાત છે. પૈસાની લાલચને કારણે આ સમાજના લોકો દારૂના ધંધામાં લાગી જાય છે. તેમની ગરીબીનો લાભ લઈને દારૂ માફિયાઓ તેમને દારૂ પહોંચાડે છે.
રત્નેશ સદાએ જણાવ્યું હતું કે દલિત સમાજના મોટાભાગના લોકો અભણ છે. જેના કારણે દારૂ માફિયાઓ તેમનો દુરુપયોગ કરે છે. મંત્રીએ એમ પણ કહ્યું છે કે બિહારમાં દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. જેમાં દલિત સમાજના લોકોનો સમાવેશ થાય છે. મંત્રીએ સીતામઢીના બાખરી સ્થીત મહાલદિત દલિત કોલોનીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. તમને જણાવી દઈએ કે રત્નેશ પોતે મહાદલિત સમુદાયમાંથી આવે છે.
નશાબંધી મંત્રીએ કહ્યું કે, દલિત સમાજના લોકો દારૂબંધી પછી પણ બદનામ છે. આ લોકો મૂર્ખ છે. ગરીબ અને અભણ છે. તેમણે કહ્યું કે આનો ફાયદો ઉઠાવીને દારૂ માફિયાઓ આ વર્ગના લોકો પાસેથી દારૂની હોમ ડિલિવરી કરાવે છે. જ્યારે આ લોકો પકડાય છે, ત્યારે તેઓ સીધા જેલમાં જાય છે, પરંતુ મોટા દારૂના દાણચોરો પોલીસથી બચી જાય છે.
આ પહેલા તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ દાવો કર્યો હતો કે રાજ્યમાં પોલીસ અને વહીવટી અધિકારીઓ અને ન્યાયાધીશો પણ દારૂનું સેવન કરે છે. તેમણે કહ્યું કે મારી વિનંતી પર રાજ્યના દારૂના કાયદામાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો, તેના માટે આભાર. માંઝીએ કહ્યું કે મેં કહ્યું હતું કે જે લોકો દારૂ પીતા નથી તેઓ પકડાશે નહીં, પરંતુ આજે જે થઈ રહ્યું છે, તેઓ પણ પકડાઈ રહ્યા છે.