અમરેલી જિલ્લામાં તા. ૧૬-૦૫-૨૦૨૫ ના રોજ દલિત યુવક નિલેશભાઈ રાઠોડની હત્યાના ચકચારી કેસમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વરિષ્ઠ એડવોકેટ ઉદયન ત્રિવેદીની સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર (પી.પી.) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બનાવમાં નિલેશ રાઠોડને જ્ઞાતિ વિષયક હડધૂત કરી, માર મારવામાં આવ્યો હતો જેના પરિણામે તા. ૨૨-૦૫-૨૦૨૫ ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ કેસની ગંભીરતા અને રાજ્યભરમાં દલિત સમાજમાં પડેલા પડઘાને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. DYSP એન.બી. ગોરડીયાએ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૯ હેઠળ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી છે. એડવોકેટ ઉદયન ત્રિવેદીની નિમણૂકથી આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. તેઓ અગાઉ પણ આવા સંવેદનશીલ કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી ગુનેગારોને સજા અપાવી ચુક્યા છે.